વિવિધ કાર્યક્રમ સાથે આજે ભુજનો સ્થાપનાદિન ઊજવાશે

ભુજ, તા.11 : કચ્છના પાટનગર ભુજનો 471મો સ્થાપના દિન આવતીકાલે વિવિધ કાર્યક્રમો સાથે દબદબાભેર ઊજવાશે. વહેલી સવારથી અલગ અલગ કાર્યક્રમો સાથે પ્રથમ ખીલી પૂજન કરાશે. ભુજ શહેરની જ્યાં પ્રથમ ખીલી ખોડાઈ છે તેની શાત્રોક્ત વિધિ સાથે ભુજના પ્રથમ નાગરિક અધ્યક્ષા લતાબેન સોલંકીના હસ્તે પૂજન કરાશે. દરમ્યાન ભુજના જન્મદિનની કેક કાપવામાં આવશે. ભુજના દૃશ્યો દોરવાની સ્પર્ધા પણ યોજાશે.  ભુજ શહેરના પાંચ નાકા, છઠ્ઠીબારી અને ચારે રિલોકેશનને આસોપાલવનાં તોરણથી બંધાશે. સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાને પ્રથમ હારારોપણ, વંદના કરાશે. દરમ્યાન ગરીબ બાળકોને ભુજના માજી નગરપતિ સ્વ. રસિકભાઈ ઠક્કર અને સ્વ.હસ્તાબેન રસિકભાઈ ઠક્કરની યાદમાં બાળકોને ભુજ દર્શન કરાવાશે. બાળકોની રેલી પણ નીકળશે. કળશધારી બાલિકાઓ દરબારગઢ ખાતે મહેમાનોનું સ્વાગત કરશે. દરમ્યાન ભુજ સુધરાઈની ઈમારત અને ગાંધીજીની પ્રતિમાને રોશનીથી શણગારાશે. ભુજ નગરપાલિકાના સહયોગથી સત્યમ્ સંસ્થા આ કાર્યક્રમમાં જોડાશે તેવું સત્યમ્ના અધ્યક્ષ દર્શક અંતાણીએ જણાવ્યું હતું. દરમ્યાન લોક સેવા ટ્રસ્ટ અને રોયલ ફાઉન્ડેશનના હેમેન્દ્ર જણસારી અને અનવર નોડે  વિગેરે પણ બાળકોને પ્રોત્સાહન કરશે.  ભુજના સ્થાપના દિનને સફળ બનાવવા ભુજના નગરપતિ લતાબેન સોલંકી, ઉપપ્રમુખ રામ ગઢવી તેમજ કારોબારી ચેરમેન ભરતરાણા તેમજ સાંસ્કૃતિક કમિટીના ચેરપર્સન ગોદાવરીબેન ઠક્કર અને મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલા જહેમત ઉઠાવી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer