અબડાસા તા.માં અચાનક ચેકિંગ દરમ્યાન ગેરહાજર બે તલાટી સસ્પેન્ડ

ભુજ, તા. 11 : મંગળવારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતના વર્ગ 1 અને 2ના અધિકારીઓની બનાવાયેલી ટીમ દ્વારા અબડાસા તાલુકામાં હાથ ધરાયેલી ચેકિંગ દરમ્યાન ગેરહાજર રહેલા બે તલાટીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા વર્ગ-1 અને 2ના અધિકારીઓની 20 જેટલી ટીમ બનાવી અબડાસા તાલુકામાં 60 જેટલા ગામોમાં 88 આંગણવાડી કેન્દ્રો, 68 પ્રાથમિક શાળા અને 33 તલાટી સેજાની અચાનક ચેકિંગ હાથ ધરાઈ હતી. જેમાં 14 આંગણવાડી વર્કર-હેલ્પર, 14 પ્રાથમિક શિક્ષકો તથા પાંચ તલાટી ગેરહાજર જોવા મળ્યા હતા. જેમને પગાર કપાત કરવાની નોટિસ આપી ગુણદોષ નજરે શિક્ષાત્મક કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો હતો. જ્યારે પાંચ પૈકી ચરોપડી અને બારાના તલાટીને તાલુકા વિકાસ અધિકારી દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ આજે ગેરહાજર રહેતાં તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો હતો. તેમ કોઈ પણ કર્મચારીની અનિયમિતતા કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેવી ડી.ડી.ઓ.એ તાકીદ કરી હતી. આ ટીમ દ્વારા આંગણવાડી કેન્દ્રો પર બાળકોની સંખ્યા, વજનકાંટો, મેનુ મુજબ અપાતો નાસ્તો, સ્વચ્છતા, શૌચાલયની સગવડ, બાળતુલા, શાળાઓમાં શિક્ષકો-વિદ્યાર્થીઓની હાજરી તેમજ તલાટી સેજામાં કર્મચારીઓની ઉપસ્થિતિ વગેરેની ચકાસણી કરવામાં આવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer