આખરે કચ્છમાં ઢોરવાડા શરૂ કરવા લેવાયેલો નિર્ણય

ભુજ, તા. 11 : કચ્છમાં 1લી ઓક્ટોબરથી અછત જાહેર થયા પછી 15 ડિસેમ્બરથી ઢોરવાડા શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છની બીજી મુલાકાત વખતે કરી હતી. આખરે ઢોરવાડા શરૂ કરવા માટે રાજ્ય સરકારે આજે મોડી સાંજે પરિપત્ર બહાર પાડીને એક મોટી ધરપત આપી છે. પ્રત્યેક ઢોરદીઠ રૂા. 25 ચૂકવવા સરકારે જિલ્લા કલેક્ટરને આદેશ કર્યો છે. અરજી આવ્યાના પાંચ દિવસે મંજૂરી આપતો ઠરાવ રાજ્ય સરકારે કર્યો હતો. ભૂતકાળમાં અછતના દિવસોમાં શરૂ કરાયેલા ઢોરવાડાઓમાં થયેલી ગેરરીતિ વગેરેને જોતાં રાજ્યના મહેસૂલ વિભાગે આજે બહાર પાડેલા પરિપત્રમાં કડક નિયમોનો ઉલ્લેખ કર્યો છે. થોડા સમય પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કરેલી બિનસત્તાવાર જાહેરાતમાં ઢોરવાડાઓમાં પ્રત્યેક ઢોરદીઠ પહેલા બે મહિના રૂા. 70 ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ આજે બહાર પાડવામાં આવેલા સરકારના જાહેરનામામાં પ્રત્યેક પશુદીઠ રૂા. 25 પશુ સહાય આપવાનું જણાવાયું છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના નાયબ સચિવ જી.બી. મુગલપરાએ બહાર પાડેલા ઠરાવ મુજબ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના પશુઓની ઘાસચારાની જરૂરિયાતને હળવી કરવા અને આવા વિસ્તારના પશુઓની નિભાવણી સરળતાથી પાર પાડવાના હેતુથી જિલ્લાના કલેક્ટરની મંજૂરી મેળવ્યા બાદ જ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જો કોઇ રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા અથવા રજિસ્ટર્ડ ટ્રસ્ટ ઢોરવાડા (કેટલ કેમ્પ) શરૂ કરે તો આવા ઢોરવાડાના પશુઓને પ્રતિદિન પશુદીઠ રૂા. 25 શરતોને આધીન પશુ સહાય આપવાનું આથી ઠરાવવામાં આવ્યું છે.ઠરાવમાં મૂકવામાં આવેલી શરતો 21 છે, જેમાં ઢોરવાડા સંબંધિત કલેક્ટરની લેખિત મંજૂરી/હુકમો મેળવીને જ શરૂ કરી શકાશે. પશુવાડા સ્થળની પસંદગી બાબતે રાહત મેન્યુઅલની જોગવાઇઓ મુજબ સ્થળ, તળાવ, નદી, નહેર, બંધ, પાણી પ્રાપ્તિનાં સ્થાન સુધી સરળતાથી જઇ શકાય તેવા વિસ્તારની અંદર હોવું જોઇએ, વિકલ્પે સંસ્થા દ્વારા સ્થાનિકે પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી હોવી જોઇએ. છાંયડો મળી રહે તે માટે શક્ય હોય ત્યાં સુધી વૃક્ષો હોવા જોઇએ,  વિકલ્પે શેડ વગેરેથી છાંયડાની વ્યવસ્થા જે તે સંસ્થાએ કરવાની રહેશે. ઢોરવાડાનું સ્થળ?રેલવે સ્ટેશન કે સારા માર્ગની નજીકમાં હોવું જોઇએ. કલેક્ટરે મંજૂરી આપતાં પૂર્વે ઢોરવાડાનું સંચાલન કરવા જે તે સંસ્થા શક્તિમાન છે કે કેમ, સંસ્થા પશુઓને પૂરતું પશુખાણ પૂરું પાડી શકશે કે કેમ, આ હેતુ માટે સંસ્થા પાસે પૂરતું ભંડોળ છે કે કેમ તથા સંસ્થાનો આશય શુદ્ધ છે કે કેમ તથા પશુઓ પર યોગ્ય દેખાભાળ રાખી શકશે કે કેમ ? પશુ દવાખાના તરફથી મફત સંબંધિત ઢોરવાડાને તબીબી સારવાર સુલભ કરાવવાની રહેશે તથા સંબંધિત સરકારી પશુ ચિકિત્સક/પશુપાલન ખાતાના અધિકારીઓએ પ્રાસંગિક મુલાકાતો લેવાની રહેશે. આવી તમામ બાબતોની ખાતરી બાદ પરવાનગી આપવામાં આવશે.કેટલ કેમ્પમાં નિભાવવામાં આવતા પશુઓ માટે જે તે ઢોરવાડા સંચાલક સંસ્થાને સરકારી ઘાસ ડેપોમાંથી રાહતદરે અથવા પોષણક્ષમ ભાવે ઘાસચારો અથવા અન્ય પશુ આહાર મળવાપાત્ર થશે નહીં. અગાઉ જે -તે  સંસ્થા દ્વારા ગેરરીતિ કરવામાં આવી હોય તો તેને ઢોરવાડો ચલાવવા માટે મંજૂરી આપવાની રહેશે નહં. તેવો સ્પષ્ટ નિર્દેશ આ ઠરાવમાં આપવામાં આવ્યો હતો.રાજ્ય સરકારે મૂકેલી શરતો જાણવા સંબંધિતોએ કલેક્ટર કચેરી હસ્તકની અછત શાખાનો સંપર્ક સાધવો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer