જૂની દુધઇના ખેડૂત પિતાએ પુત્રોને હસ્તાંતરિત કરેલી તમામ જમીનોની નોંધ રદ્દ કરી દેવામાં આવી

ભુજ, તા. 11 : આમ તો શાત્રો અને તમામ ધર્મોના ગ્રંથો - ગુરુઓ સદીઓ અને પેઢીઓથી પોતાના ઉપદેશમાં માતા-પિતાનું મૂલ્ય દર્શાવતા આવ્યા છે, છતાં અમુક સંતાન એવા પણ પાકે છે જે પોતાના માતા-પિતા વરિષ્ઠ નાગરિક થાય ત્યારે તેમને સંભાળવામાં નિષ્ફળ નિવડે છે અને આવા પોતાનાં સંતાનોથી તિરસ્કૃત થયેલા વાલીઓ જો તંત્ર પાસે ધા નાખે તો કોર્ટની ભૂમિકામાં સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ તેમને ન્યાય અપાવે છે. આવા કેસ મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ અને એસ.ડી.એમ.ની કોર્ટમાં ચાલે છે. પરંતુ અધિક કલેકટર કે નાયબ કલેકટર કક્ષાના અધિકારી કામના ભારણ તળે કે પછી `કંઇ વળે તેમ' ન હોવાથી આવા પ્રકરણો ટાળતા હોય છે, જો કે, અંજારના યુવા અધિકારીએ ધાક બેસાડતો ચુકાદો આપી અનેક માતા-પિતાઓ માટે ન્યાયનો આ માર્ગ જે લગભગ બંઇ થઇ ગયેલો ગણાતો હતો તે પુન: ખોલ્યો છે.મહેસૂલ તંત્રમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂની દુધઇના ખખડિયાવાસમાં રહેતા પિતા ગણેશાભાઇ નારાણભાઇ ચામરિયાએ પોતાના ત્રણ પુત્રો રૂપાભાઇ  (જૂની દુધઇ),  કરમશી (બોરીવલી-મુંબઇ) અને શામજી (ગોરાઈન-બોરીવલી મુંબઇ)વાળાએ દુધઇના તલાટી મંત્રી તથા અંજાર મામલતદાર સાથે મળીને ખેતીની જમીન લખાવી લીધી, પણ ભરણપોષણ કરતા નથી. જમીન પિતાએ જાતે જ ચાર પુત્રોને  હયાતીમાં હક્ક દાખલ કરાવી. ચોથા પુત્ર પૂંજાભાઇ ગણેશા પિતાનું ભરણપોષણ કરે છે જ્યારે બાકીના ત્રણ  ભરણપોષણ તો દૂરની વાત માર પણ મારે છે અને તેથી ત્રણેય સામે વયોવૃદ્ધ પિતાએ વિશ્વાઘાત અને માર મારવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. દુધઇ (તા. અંજાર)વાળી સર્વે નં. 483 પૈકી 1, 657/1.522, 661/1, 661/2 પૈકી 2, 664/1 અને 664/2વાળી જમીનોની હક્કપત્રકમાં નોંધ નં. 3646 તથા 3818 પાડવામાં આવી તે રદ કરવાની અપીલ વયોવૃદ્ધ પિતાએ એસ.ડી.એમ. વિજય રબારી સમક્ષ કરી. મહેસૂલ અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની સત્તાઓ ધરાવતા અધિકારી સમક્ષ ત્રણ પુત્રોએ જે નોટિસ મળી તેનો જવાબ આપતાં કહ્યું કે પિતાજી સુખી-સંપન્ન છે, અમે ભરણપોષણ પણ કરીએ છીએ, નવ લાખનું એક ખેતર પણ રોકડેથી વેચ્યું છે અને અમને હેરાન કરવા માત્ર ફરિયાદ કરી છે.શ્રી રબારીએ અરજદાર અને તેમના પુત્રોની પૂરેપૂરી તપાસ હાથ ધરી, ત્રણ પુત્રોએ પિતા સાથે વિશ્વાસઘાત કરી જમીન મેળવી લીધી, અરજદારના પત્ની અને ત્રણેય પુત્રોની જનેતા બીમાર હતી ત્યારે પણ મુંબઇમાં મકાન ખરીદવા પુત્રો રોકડ લઇ ગયા અને પિતાને પત્નીની સારવાર માટે ઉધાર નાણા મેળવવા પડયા હોવા સહિતની વિગતો જાણી કેસનો તલસ્પર્શી અભ્યાસ કરીને પિતાની માંગ અનુસાર જમીનોનું જે હસ્તાંતરણ થયું હતું તે રદ જાહેર કરતો આદેશ આપ્યો છે. આ સંદર્ભે આ આદેશ કરનારા નાયબ કલેક્ટર શ્રી રબારીનો સંપર્ક સાધતાં તેમણે 11મી ડિસેમ્બરના જ આપેલા ચુકાદા સંદર્ભે જણાવ્યું હતું કે પિતાએ આપેલી ખેતીની જમીનની બધી જ નોંધ રદ કરી દેવાઇ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer