રવી પાકમાં ખેડૂતો દ્વારા ઘાસચારા પર જોર

ભુજ, તા. 11 : કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે નહીંવત વરસાદના કારણે અછત જેવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ રવી પાકમાં ઘાસચારા પર જોર આપ્યું છે. જેમાં સરકાર દ્વારા પણ ઘાસચારા માટે બિયારણની કિટનું વિતરણ કરાઈ રહ્યું છે. તો બીજીબાજુ અમુક ખેડૂતોએ જીરું અને ઘઉંનું પણ નોંધપાત્ર વાવેતર કર્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી વાય.આઈ. સિહોરાએ આપેલી વિગતો મુજબ ખેડૂતોએ રવી પાકમાં કુલ 22366 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે, ત્યારે આ વાવેતરથી થોડા ઘણા અંશે ઘાસચારા બાબતે રાહત થશે. જો કે ઘાસચારાની તંગી નિવારવા સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે ઘાસચારાના બિયારણની કિટનું પણ વિતરણ કરાઈ રહ્યું છે. દરમ્યાન આ સિઝનમાં ખેડૂતોએ 27920 હેક્ટરમાં જીરું, 13601 હેક્ટરમાં ઘઉં, 5952 હેક્ટરે રાઈ, 3040 હેક્ટરે શાકભાજી, 1115માં ઈસબગુલ, 1215માં વરિયાળી તેમજ 656 હેક્ટરમાં ધાણાનું તેમજ અન્ય પાકોનું વાવેતર કર્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer