ભુજથી નખત્રાણા માર્ગના મરંમત કામ માટે 26 કરોડ મંજૂર

ભુજ, તા. 11 : ભુજથી નખત્રાણા હાઇવેના મરંમત કામ માટે રૂા. 26 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઇ હતી જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને 10 કોન્ટ્રેકટરો દ્વારા ટેન્ડર ભરાયા છે. જેમાંથી ટુંક સમયમાં એજન્સી નક્કી થયે કામ શરૂ થશે. ભુજથી નખત્રાણા સુધીના 55 કિ.મી. માર્ગની બદતર હાલતથી વાહન ચાલકોને પડતી મુશ્કેલી તેમજ અનેક સ્થળે રસ્તામાં પડેલા ખાડાના કારણે અકસ્માત સર્જાવાના ભયને નિવારવા નખત્રાણા પંથકના લોક પ્રતિનિધિઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતના પગલે આ માર્ગને તંત્રે સંપૂર્ણ રીતે મરંમત કામ માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી. પશ્ચિમ કચ્છના ઔદ્યોગિક ખનિજ ક્ષેત્રને સાંકળતા આ મહત્ત્વપૂર્ણ માર્ગને સજાવવા નખત્રાણા તા.પં.ના પ્રમુખ નયનાબેન પટેલના વડપણ હેઠળ તાલુકા ભાજપના અગ્રણીઓ રાજેશભાઇ પલણ,  વસંતભાઇ વાઘેલા, કાનજીભાઇ કાપડી સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા  રાજ્યમંત્રી વાસણભાઇ આહીર તથા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરાઇ હતી. જેને સફળતા સાંપડી હતી. આ ઉપરાંત આ માર્ગને રાષ્ટ્રીય ધોરી માર્ગમાં સમાવિષ્ટ કરવા માંગની વહીવટી પ્રક્રિયા ગતિમાં છે.  આ કામ સંદર્ભે પાટનગર યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી મકવાણાએ જણાવ્યું કે, એક સપ્તાહમાં ચકાસણી પૂર્ણ થયે જી.એસ.આર.ડી.સી. દ્વારા કામનો કોન્ટ્રેકટ અપાશે. આ કામ મંજૂર થતાં શ્રી પટેલ ઉપરાંત, રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા સહિતનો આભાર વ્યક્ત કરાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer