મુંબઈ પોર્ટના ચીફ મેડિકલ ઓફિસરેડીપીટી હોસ્પિટલની લીધેલી મુલાકાત

ગાંધીધામ,તા.11: દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હસ્તકની ગોપાલપુરી હોસ્પિટલ તથા અન્યત્રથી આરોગ્ય સુવિધા મેળવવામાં કર્મચારીઓ તથા પેન્શનર્સ પરિવારોને પડતી મુશ્કેલીની ફરિયાદોને લઈને ડીપીટી ચેરમેનની સૂચનાથી મંબઈ પોર્ટ  ટ્રસ્ટના ચીફ મેડિકલ ઓફિસર અન્ના દુરાઇએ તાજેતરમાં અહીંની મુલાકાત લીધી હતી.અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડીપીટીના સી.એમ.ઓ. તેમજ સ્ટાફના નકારાત્મક વલણથી કર્મચારીઓમાં વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે. તેવામાં વારંવાર ઊઠતી ફરિયાદોને લઈને ડીપીટીના ઈન્ચાર્જ અને મુંબઈ પોર્ટના અધ્યક્ષ સંજય ભાટિયાની સૂચનાને લઈને મુંબઈ  પોર્ટના સી.એમ.ઓ. અન્ના દુરાઇ અહીં આવ્યા હતા.તેમણે સ્થાનિકે આવીને ડીપીટીના લેબર ટ્રસ્ટીઓ, અન્ય કર્મચારીઓ, ડીપીટીના સી.એમ.ઓ. વગેરે  સાથે બેઠક યોજી હતી. ચર્ચા વાટાઘાટને અંતે તેમણે કર્મચારી કલ્યાણાર્થે આરોગ્ય સેવાને  લગતા વિવિધ નિયમોમાં સુધારા સૂચવ્યા હતા. કર્મચારીઓને  ખાસ તો અન્ય  હોસ્પિટલમાં રિફર થતી વેળા મુશ્કેલીનો અનુભવ થતો હતો. આવા કિસ્સામાં પણ કર્મચારીને કેશલેસ સારવાર મળે, તાકીદના સંજોગોમાં નજીકની ગમે તે હોસ્પિટલમાં  સારવાર લઈ શકે, પેન્શનર્સને પણ કેશલેસ સારવાર મળે  વગેરે  જેવા નિયમો સંભવત:  14મીની બોર્ડ  બેઠકમાં  મંજૂર થાય  તેવા સંકેત  મળ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer