સામખિયાળી પાસે ફેકટરીમાં ધડાકો થતાં યુવાન કામદારનું થયેલું મોત

ગાંધીધામ, તા. 11 : ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક આવેલી ઇલેકટ્રો થર્મ કંપનીમાં ફર્નેશમાં બ્લાસ્ટ થતાં અને લોખંડનો ટુકડો ઉડીને વાગતાં હિતેન્દ્રસિંહ બળદેવસિંહ ઝાલા (ઉ.વ. 32) નામના ઇજનેરનું મોત થયું હતું. બીજી બાજુ ભુજ-માંડવી રોડ ઉપર માવજી તલાવડી પાસે બાઇક અને કાર ભટકાતાં બાઇક પર સવાર સામાબાઇ રમેશ કોળી (ઉ.વ. 22)નું મોત થયું હતું. જ્યારે બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી. સામખિયાળી નજીક આવેલી ઇ.ટી. કંપનીમાં આજે બપોરે આ જીવલેણ બનાવ બન્યો હતો.આ કંપનીમાં ઇજનેર તરીકે કામ કરતાં મૂળ સુરેન્દ્રનગરનો લખતર તા.ના કળમ ગામના હિતેન્દ્રસિંહ નામનો યુવાન આજે બપોરે સ્ટીલ બેલ્ટીંગ વિભાગમાં હતો. દરમ્યાન ફર્નેશમાં ધડાકો થતાં આ ભઠ્ઠીમાંથી લોખડનો ટુકડો ઉડયો હતો જે આ યુવાનના પેટમાં જઇને વાગ્યો હતો. જેમાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલાં આ યુવાનનું મોત થયું હતું. થોડા સમય પહેલાં ધમડકા નજીક ખાનગી કંપનીમાં 35 જેટલા કામદારો દાઝી ગયા હતા. જે પૈકી એક યુવાનનું ગઇકાલે જ મોત થયું હતું. તેવામાં ખાનગી કંપનીમાં વધુ એક બનાવ બનતાં એક યુવાનનો જીવ ખોવાનો વારો આવ્યો હતો. ત્યારે આવા બનાવોમાં જેની બેદરકારી સામે આવે તેના વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ લોકોમાં ઉઠી રહી છે. હિતેન્દ્રસિંહ ભચાઉના શંભુસિંહ જાડેજાના જમાઇ થતા હતા. બીજી બાજુ ભુજ-માંડવી રોડ ઉપર માવજી તલાવડી નજીક વળાંક ઉપર અકસ્માતનો બનાવ બન્યો હેતો. રમેશ વેલજી કોળી (ઉ.વ. 25) અને તેની પત્ની સામાબાઇ બાઇક નંબર જી.જે. 12-સી.એફ. 3712 પર સવાર થઇને ભુજથી ખત્રી તળાવ  બાજુ જઇ રહ્યા હતા. દરમ્યાન આ બાઇક સામેથી આવતી કારમાં ભટકાતાં સામાબાઇને ગંભીર ઇજાઓ થઇ હતી જેમાં તેમનું મોત થયું હતું. જ્યારે ઘવાયેલા યુવાન એવા આ યુવતીના પતિને સારવાર અર્થે ખસેડાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer