કચ્છ એકસપ્રેસમાં પ્રવાસી માટે કર્મચારીએ શરાબ હાજર કર્યો

ગાંધીધામ,તા.11: મુંબઈથી  કચ્છ વચ્ચે દોડતી  કચ્છ એકસપ્રેસ ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં ફરજ પરના કર્મચારી દ્વારા પ્રવાસીઓ માટે મહેફિલની વ્યવસ્થા કરાઈ હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે. તદઉપરાંત નશામાં ધૂત પ્રવાસીના હોબાળાથી મહિલા પ્રવાસીને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ગત તા.8-12ના બનેલી આ ઘટના મામલે સુરતના કિશોર ઠક્કરે  ભુજ રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ટ્રેન બાન્દ્રાથી ઉપડયા બાદ એચ.1 કોચના સ્ટાફ દ્વારા એટેન્ડન્સ કેબિનમાં ચારેક જેટલા પ્રવાસીઓ માટે શરાબની મહેફિલની વ્યવસ્થા કરાઈ હતી. આણંદ સુધી મહેફિલ ચાલી હતી. બાદમાં નશામાં ચૂર પ્રવાસીએ કેબિનમાં હંગામો    મચાવતાં મહિલા પ્રવાસી ભયભીત બની બહાર આવી ગયા હતા. આ મામલે ટી.ટી.ઈને જાણ કરાતાં તેમણે મહિલાને સેકન્ડ એસીમાં પોતાની પાંચ નંબરની  બેઠકમાં બેસાડયા હતાં, પરંતુ નશામાં ધૂત પુરુષ પ્રવાસી સામે કોઈ કાર્યવાહી કરી   ન હતી જેના કારણે મહિલાને ફર્સ્ટ એ.સીની ટિકિટ હોવા છતાં સેકન્ડ  એ.સીમાં પ્રવાસ કરવો પડયો હતો. ટી.ટી.ઈએ રેલવે પોલીસને જાણ કરવી જોઈએ તેવું સૂત્રોએ જણાવ્યું હતું. કચ્છ એકસપ્રેસ સયાજી નગરી જેવી પ્રવાસીઓ માટે સુરક્ષિત મનાતી ટ્રેનોમાં આ પ્રકારની ઘટના  ચિંતાની બાબત હોવાનું પ્રવાસી સૂત્રોએ જણાવ્યું હતું. ફર્સ્ટ એ.સી કોચમાં પૈસા આપતાં આવી સુવિધાઓ મળતી હોવાનો આક્ષેપ જાણકારોએ કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer