રહસ્ય કથાઓમાં ઢંકાયેલા શ્રેષ્ઠ વાર્તાકાર

રહસ્ય કથાઓમાં ઢંકાયેલા શ્રેષ્ઠ વાર્તાકાર
ભુજ, તા. 9 : એકસો એકત્રીસથી વધારે પુસ્તકો આપનારા કચ્છના સમર્થ સર્જક ગૌતમ શર્મા એક બળકટ પ્રયોગશીલ સાહિત્યકાર હતા અને આ ક્ષેત્રે એમણે અનેક કીર્તિમાન પણ સ્થાપ્યા હતા. આજે ભુજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત ગૌતમ શર્માની સર્જન યાત્રા અંગેના પરિસંવાદમાં વિવિધ વક્તાઓએ એમના સર્જનનું સર્વાંગી નિરૂપણ કરતાં આવો સૂર વ્યક્ત કર્યો હતો. કચ્છના અને ગુજરાતના જાણીતા લેખક વીનેશ?અંતાણીએ ગૌતમભાઇની નવલિકાઓ તથા કાવ્યસંગ્રહોનું રસદર્શન કરાવતાં તેમને નવલકથાઓની લોકપ્રિયતા હેઠળ ઢંકાઇ ગયેલા ઉત્તમ વાર્તાકાર તથા કવિ લેખાવ્યા હતા. તેમણે શર્માની ટૂંકી વાર્તાને પુન:પ્રસિદ્ધ કરવાનું સૂચન કરતાં વી.આર.ટી.આઇ.ના ગોરધન પટેલે તેનો સ્વીકાર કરતાં ગૌતમભાઇની પસંદગીની પંદરેક નવલકથાઓનું પુન:?પ્રકાશન વી.આર.ટી.આઇ. દ્વારા કરવાની જાહેરાત કરી હતી. કચ્છના જાણીતા વાર્તા-નવલકથાકાર માવજી મહેશ્વરીએ ગૌતમભાઇની સામાજિક નવલકથાઓની વિગત આપતાં તેમની નવલકથાઓમાં ઘટનાક્રમ રહસ્ય કથાના રજૂ થતા હોઇ નવી પેઢીના વાચકોમાં તે વધુ લોકપ્રિય થયા હોવાનું જણાવ્યું હતું.  શ્રી શર્માની ઐતિહાસિક તથા પૌરાણિક નવલકથાઓનું રસદર્શન કરાવતાં નિરૂપમ છાયાએ તેમને એક સાચા પ્રયોગશીલ સર્જક ગણાવી એમણે સર્જેલા રામાયણ, મહાભારતના પાત્રો પરની નવલકથાઓના કથાનકને દ્રષ્ટાંત સહિત સમજાવતાં ચરિત્ર?લેખન સાથે પૌરાણિક વાર્તાનું સાતત્ય જાળવી રાખવાની એમની અદભુત શક્તિની સરાહના કરી હતી. જાણીતા વિવેચક હરેશ?ધોળકિયાએ ગૌતમ શર્માની રહસ્ય કથાઓ અંગે વાત કરતાં તેમને ગુજરાતમાં હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ પછી સૌથી વધુ વંચાતા સર્જક લેખાવતાં તેમનું સૌથી વધુ સર્જન રહસ્ય કથા ક્ષેત્રે રહેલું હોવાનું જણાવ્યું હતું. તેમણે ગૌતમભાઇએ આ ક્ષેત્રે અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા હોવાનું પણ જણાવી તેમની રહસ્ય કથાઓમાં પણ ડોકાતા વતન પ્રેમની વાત પણ કરી હતી. પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયે સમારંભના અધ્યક્ષસ્થાનેથી પુસ્તકાલયના સાર્ધ શતાબ્દી મહોત્સવની વિગતો આપી આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમોની જાણકારી આપી હતી. આ અગાઉ વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રીએ સર્જક ગૌતમ શર્માનો પરિચય આપ્યો હતો.સંસ્થાના મંત્રી પીયૂષ પટ્ટણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ સંજય ઠાકરે સંચાલન કર્યું હતું જ્યારે આભારવિધિ સંસ્થાના કારોબારી સભ્ય કરમશી પટેલે કરી હતી.  આ અવસરે ડો. કાંતિભાઇ?ગોર, ઝવેરીલાલ સોનેજી, પુષ્પાબેન અંતાણી, ગૌતમ જોષી, કનુભાઇ જોષી, રમેશ રોશિયા, ચંદ્રવદન ધોળકિયા, કમલકાંત ભટ્ટ સહિતના સાહિત્યરસિકોએ હાજરી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer