માતૃછાયામાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવા વિચારણા

માતૃછાયામાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવા વિચારણા
ભુજ, તા. 9 : હાલના સમયમાં પ્રલોભનોથી વિચલિત થયા વિના ધ્યેય સાથે સતત આગળ વધતા રહેવા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને શીખ અપાઇ હતી. શાળામાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવાની વિચારણા ચાલતી હોવાનું પણ દાતા પરિવાર દ્વારા જાહેર કરાયું હતું. ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગ શ્રીલેખા હીરાલાલ શાહ કન્યા વિદ્યાલયની શિક્ષણ સફરના પાંચમા દાયકામાં પ્રવેશની છેલ્લા બે દિવસથી હર્ષોલ્લાસ સાથે થતી ઉજવણી અંતર્ગત શિક્ષક, વિદ્યાર્થી સન્માનની સાથોસાથ મનભાવન અંકના વિમોચન કાર્યક્રમને સંબોધતા મુખ્ય મહેમાન કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે તાલ મિલાવીને માતૃછાયાએ કરેલી પ્રગતિનું શ્રેય શાળાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપ્યું હતું. અતિથિવિશેષ પદેથી કચ્છ યુનિ.ના ગુજરાતી ભવનના અધ્યક્ષા ડો. દર્શનાબેન ધોળકિયાએ આજની પેઢી માટે રચાતો ઇતિહાસ સમો આ કાર્યક્રમ હોવાનું જણાવ્યું હતું.  મહિલા સશકિતકરણને પગલે બહેનો વિવિધ ક્ષેત્રે કાઠું કાઢી રહી હોવાનું જણાવી ઉમેર્યું કે, 40 વર્ષ પહેલા ટ્રસ્ટીઓએ વાવેલું શિક્ષણરૂપી બીજ આજે વટવૃક્ષ બન્યું હોવાનું કહ્યું હતું.  જિલ્લા રમત-ગમત અધિકારી  રોહિત પરમારે શિક્ષણની સાથોસાથ રમત-ગમત તથા કળા ક્ષેત્રે પણ માતૃછાયાએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દાતા પરિવારના રીટાબેન શાહે વિવિધ સુવિધાઓ સાથે શાળાની કાયા પલટ થઇ ગઇ હોવાનું કહી હાલના સમયને ધ્યાને લઇ અંગ્રેજી માધ્યમ પણ શરૂ કરવાની વિચારણા ચાલતી હોવાની મહત્ત્વની જાહેરાત કરતાં ઉપસ્થિતોએ વધાવી હતી. પ્રારંભે સંસ્થાના ટ્રસ્ટી બાબુભાઇ મેઘજી શાહે શાબ્દિક સ્વાગત કરતાં સૌને આવકાર્યા હતા. સંસ્થા અધ્યક્ષ અમૃતલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઇ શાહ, ટ્રસ્ટી નલિનીબેન શાહ, કેતનભાઇ, મધુભાઇ સંઘવી, હર્ષદભાઇ શાહ, રાજેન્દ્રભાઇ શાહ, રોહિતભાઇ શાહ, પંકજબેન રામાણી, સુહાસબેન તન્ના વિ. મંચસ્થ રહ્યા હતા. તમામ મંચસ્થોનું સન્માન કરાયું હતું.  આ અવસરે ઝોન કક્ષાએ પાટણમાં માતૃછાયાનું નામ રોશન કરનાર પ્રથમ ત્રણ સ્થાન મેળવનારા લોકવાદ્યમાં હરમન ઝાલા, દોહા-છંદમાં અલ્પા ગઢવી, લોકવાર્તામાં પલક બુદ્ધભટ્ટી, વકતૃત્વમાં આસ્થા મજેઠિયા, એકપાત્રિય અભિનયમાં વિનજ મકવાણા, લોકગીતમાં ચાવડા ધ્રુવી, વિજ્ઞાનનું જીવનમાં મહત્વ વિષયમાં ઇન્સ્પાયર એવોર્ડ રાજગોર દિશાને, ચેસ સ્પર્ધામાં ગોર ધ્રુવી, સંસ્કૃત પરીક્ષામાં રૂષી વ્યાસ, પત્ર લેખનમાં અંજારિયા અંજની, માર્શલ આર્ટમાં ગોર શિવાનીને મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા હતા.  અત્રે ઉલ્લેખનીય છે કે, હેન્ડબોલ (અંડર-14)માં ઝળકેલી ટીમને 90 હજારનું ઇનામ પ્રાપ્ત થયું હતું. આ ટીમની સાથોસાથ કોચ ધારા સોરઠિયા, મનીષ પટેલનું રોકડ ઇનામ સાથે બહુમાન કરાયું હતું.  સંસ્થામાં ફરજના ચાર દાયકા પૂર્ણ કરનારા પ્રાથમિક વિભાગના આચાર્યા પંકજબેન રામાણીનું વિશેષ સન્માન કરાયું હતું. આ ઉપરાંત પૂર્વ-વર્તમાન શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું. સંચાલન રોશનીબેન ઝાલા, જાગૃતિબેન વકીલ તથા ડો. ફતુભા જાડેજાએ સંભાળ્યું હતું. 
 
માતૃછાયા એવોર્ડથી સન્માનિતો
શાળા તરફથી અપાયેલા અલગ-અલગ એવોર્ડમાં વિદ્યા સૌરવ એવોર્ડ-વિદ્યાને, સંસ્કાર સૌરવ એવોર્ડ, અંજારિયા અંજનીને, કલા સૌરવ એવોર્ડ-પોમલ કાર્તવી, ખેલકૂદ સૌરવ એવોર્ડ-ગોર અદિતિને, બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધી યર એવોર્ડ પંડયા નમનને એનાયત થયો હતો. માતૃછાયામાં અભ્યાસ કરી ગયેલી અને હાલમાં અલગ-અલગ ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત પૂર્વ છાત્રાઓ જાગૃતિ વકીલ, કસ્તુર પટેલ, ઉષ્મા સંઘવી, કલ્પના શાહ, ઉત્કંઠા ધોળકિયા, જેની ફુરિયા, વૈશાલી જેઠી, કુંજલ ઠક્કર, પૂર્વા ધોળકિયા, કિંજલ શાહ, ડંકૃતિ ધોળકિયા, કોસા શાહ, હેમાલી અંતાણી, સોનમ શાહ, રીતુ ગોર, ધ્વનિબેનને  માતૃછાયા ગરિમા એવોર્ડ મંચસ્થો તેમજ સુભાષભાઇ વોરા, રત્નાકરભાઇ ધોળકિયા, શંભુભાઇ, રમણીકભાઇ સોમેશ્વર, પ્રેમલતાબેન નિહાલાણી, અરવિંદભાઇ શાહ, ભાનુબેન ખત્રી, સુષ્માબેન રાવલ, મુકતાબેન ખત્રી, સુલેખાબેન જોષીના હસ્તે અપાયા હતા. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જાગૃતિબેન બિજલાણી, જાગૃતિબેન ગોર તથા તોરલબેન કોટડિયાને ફાળે ગયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer