ગૌસેવાર્થે દાતાઓ વરસ્યા, એક કરોડથી વધુ દાન

ગૌસેવાર્થે દાતાઓ વરસ્યા, એક કરોડથી વધુ દાન
તા. 9 : દુષ્કાળનો તીવ્ર સામનો કરી રહેલા પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત, નખત્રાણા તાલુકામાં ગૌ સેવા માટે યોજાયેલી સંગીત સંધ્યામાં દાનની સરવાણી વહી હતી. એક કરોડથી વધુ ખર્ચ સાથેની 189 ટ્રકો લીલા તથા સૂકા ચારાની વિવિધ દાતાઓ તરફથી જાહેરાત કરવામાં આવી હતી. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ અને નખત્રાણા તાલુકા લોહાણા મહાજન દ્વારા યોજાયેલી સંગીત સંધ્યામાં સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્થાનેથી ગૌ સેવા માટે ટહેલ નખાતાં રઘુવંશીઓ વરસી પડયા હતા અને જોતજોતામાં 189 ટ્રકો ઘાસચારાની દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં બી.ટી.સી.એલ કંપની દ્વારા 71 ગાડી પ્રકાશ કોટન-21, રોનક લોજીસ્ટીક-11, નરેન્દ્ર જેઠમલ માણેક 10 અને વિવિધ અન્ય દાતા ધવલ ભાનુશાલી, હર્ષ મમોટિયા, અર્પિત ઈન્ટરનેશનલ હા. ધવલ ઠક્કર સહિતના દાતાઓ દ્વારા દાનની જાહેરાત કરાઈ હતી. આ ઘાસચારો પશ્ચિમ કચ્છ વિસ્તારના પશુમાલિકોને 60 ટકા રાહત દરે વિતરિત કરાશે. કાર્યક્રમનું દીપ પ્રાગટય નખત્રાણા રઘવંશી સોશિયલ ગ્રુપની મહિલાઓએ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ગઢશીશાના આઈ ચંદુમાએ આશીર્વચન આપતાં જણાવ્યું કે, પોતાના ભાણેજ દીપક વિજયભાઈ ઠક્કર-નૈરોબીને કચ્છમાં યજ્ઞ કરવાની ઈચ્છા હતી. પણ પોતે ગૌસેવા એ મહાયજ્ઞ હોવાનું જણાવી ગૌસેવા પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરતાં અત્યાર સુધી 11 કરોડના ખર્ચે 2100 જેટલી ટ્રકો ચારોનું માલધારીઓને રાહતદરે વિતરણ કરાયું છે. દીપકભાઈ દ્વારા વરસાદ ન થાય ત્યાં સુધી આ પ્રવૃત્તિ ચાલુ રખાશે. ચંદુમાએ ડુમરા ગૌસેવાની યાત્રામાં સહભાગી બનનાર વિક્રમસિંહ જાડેજા કરણીસેના, ચેતન ગોર, હાજી જાફર સુરંગી, હરપાલસિંહ જાડેજા, અજય ગોસ્વામી, અલીભાઈ કુંભાર, વિશાલ ડોડિયા, લક્કી ગ્રુપના નવીન ડોડિયા વગેરેનું સન્માન કર્યું હતું.અ.ક.ર.સો. ગ્રુપના પ્રમુખ વસંતભાઈ કોડરાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અરવિંદભાઈ ઠક્કર, દિનેશભાઈ ઠક્કર (માધાપર), મહેશભાઈ ઠક્કર (મોથાળા), રાજુભાઈ ચોથાણી (મુંદરા), ભાવેશભાઈ ઠક્કર (વિરાણી), ભાવેશભાઈ સોનાગેલા વગેરેએ પ્રાસંગિક પ્રવચન કરી મહાજન તરીકેની ફરજો નિભાવવા અનુરોધ કર્યો હતો. કચ્છી આશ્રમ હરિદ્વાર દ્વારા હા. નવીનભાઈ આઈયા દ્વારા 275 ટ્રક ઘાસચારો મૂળ ગઢશીશાના પ્રવીણભાઈ તન્ના સદ્ગુરુ સેવા ટ્રસ્ટ 200થી વધુ ટેમ્પો ઘાસચારો લોહાણા જ્ઞાતિજનો દ્વારા પશ્ચિમ કચ્છ વિતરિત કરાયો છે તેવી વિગતો અપાઈ હતી. આવી પ્રવૃત્તિ વરસાદ ન થાય ત્યાં સુધી ચાલુ રખાશે જે પાછળ અડધા અબજથી વધુ ખર્ચ કરાશે તેમ અધ્યક્ષસ્થાનેથી જેન્તીભાઈ ઠક્કરે જણાવ્યું હતું. ગૌસેવામાં વીરગતિ પામનાર વીર જશરાજની સ્મૃતિમાં નરા ખાતે મા ગ્રુપના ભરતભાઈ બારૂ તરફથી મંદિરનું નિર્માણ કાર્ય સોમવારથી આરંભાશે. આ પ્રસંગે શ્યામભાઈ ગઢવીએ ગૌ વંશની ગાથા વર્ણવી હતી. વિવિધ પ્રવૃત્તિમાં અગ્રેસર રહેનાર સામાજિક અગ્રણી એવા રાજેશભાઈ પલણે લગ્ન જીવનના 28 વર્ષ પૂર્ણ કરતાં વર્ષગાંઠ ઉજવાઈ હતી. સંગીતના રસિયાઓએ મોડે સુધી કાર્યક્રમની રસલહાણ માણી હતી. દરમ્યાન બાપાદયાળુ ચેરિટેબલ ટ્રસ્ટ હ. જયેશભાઈ સચદે દ્વારા 11 ટ્રક ચારો તથા રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ અને ઉમેદનગર ગણેશ યુવક મંડળ તરફથી 3 ટ્રક ચારાનું દાન જાહેર કરાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer