રાજ્યમાં 22 શાળાઓ, 50 કેન્દ્રમાંથી 12000 યુનિટ રક્ત એકત્રિત

રાજ્યમાં 22 શાળાઓ, 50 કેન્દ્રમાંથી 12000 યુનિટ રક્ત એકત્રિત
ભુજ, તા. 9 : સમગ્ર દેશની સાથે ગુજરાત, મહારાષ્ટ્રમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જે અંતર્ગત ભજ અને ગાંધીધામમાં જીવનજ્યોત બ્લડબેંક તથા રાજાભાઈ બ્લડબેંકના સહયોગથી કેમ્પનું આયોજન કરાયું હતું. તેરાપંથ ધર્મસંઘની શાખા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા અનેક લોકપયોગી સામાજિક તેમજ ધાર્મિક કાર્યો કરાય છે. રક્તદાન કેમ્પમાં આ સંસ્થા દ્વારા 2014માં 10,02,12 બોટલ રક્ત એકત્ર કરીને વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે. અને આવા જ અનેક લોકપયોગી કાર્યો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયા છે તેમજ આ વર્ષે ભારત સરકાર તરફથી રક્તદાન ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવા બદલ સાપે એવોર્ડ પણ એનાયત કરાયો છે. કચ્છમિત્રના પ્રતિનિધિ અને કટારલેખક મહેશભાઈ મહેતાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજના આ કેમ્પમાં મારવાડી યુવા મંચ અને મહાવીર ઈન્ટરનેશનલ ગાંધીધામ આ બંને સંસ્થા પણ માનવસેવાના કાર્યોમાં જોડાઈ હતી. ગાંધીધામ તેરાપંથ યુવક પરિષદના અધ્યક્ષ પ્રદીપજી ભંસાલી અને મંત્રી રોહિત ઢેલડિયા, કન્વીનર સંદીપ સિંઘવી, કમલેશ જૈન, ભુજ પરિષદના પ્રમુખ ભરત મહેતા અને મંત્રી આશિષ બાબરિયા, કન્વીનર સુરેન્દ્ર જૈન, હિતેશ મહેતા, જીવનજ્યોત બ્લડબેંકના ડો. રમણીક પટેલ, કલ્પેશ સોલંકી, ખેમરાજ, ભરતભાઈ, મંજુલાબેન, ચાંદનીબેન, ડિમ્પલબેન, કીર્તિભાઈ, રાજાભાઈ, બ્લડબેંકના ડોક્ટર નરેશ જોષી તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સમગ્ર રાજ્યમાં 22 શાખાઓ અને 50 કેન્દ્રોમાંથી 12000 યુનિટ રક્ત એકત્રિત થયું હતું અને મહારાષ્ટ્રમાં 50 શાખાઓમાં આશરે 9000 યુનિટ બ્લડ એકત્ર થયું હતું તેવું તેરાપંથ ધર્મ સંઘના કોષાધ્યક્ષ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer