ભચાઉ તાલુકાનો સ્વામિનારાયણ સંપ્રદાય સાથેનો નાતો ખૂબ જૂનો છે

ભચાઉ તાલુકાનો સ્વામિનારાયણ સંપ્રદાય સાથેનો નાતો ખૂબ જૂનો છે
ભચાઉ, તા. 9 : અહીં 175 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરે જીર્ણોદ્ધાર બાદના 13મા પાટોત્સવમાં સ્વામિનારાયણ મંદિર ભુજના સ.ગુ. પ્રેમપ્રકાશદાસજી, કૃષ્ણપ્રસાદદાસજી આદિ સંતોની હાજરીમાં અને કચ્છ-મુંબઇ-પૂના સહિતથી ઉપસ્થિત હરિભક્તોની હાજરીમાં વ્યાસપીઠ પરથી વક્તાએ કહ્યું કે, સંપ્રદાયમાં સર્વપ્રથમ ગ્રંથ `યમદંડ' કચ્છમાં લાલજી સુથારમાંથી દીક્ષા લઇને નિષ્કુળાનંદ બનેલા સ્વામીએ લખ્યો છે. શ્રી સહજાનંદ સ્વામી કચ્છમાં વિ. સંવત 1860થી 1868 સુધી એમ આઠ વર્ષ રોકાયા હતા જેમાં ભચાઉમાં 10 વખત, આધોઇમાં 17 વખત, કંથકોટમાં 11 વખત અને ભુજ, અંજાર, નારાયણ સરોવર, માંડવી, બળદિયા સહિતમાં રોકાયા હતા જેમાં ભચાઉ ખાતે જૈન ખેડૂત ઓસવાળ જ્ઞાતિના નીશર કુળના વાઘાશા અને એમના બહેન પૂજ્ય રતનબા જે ખુથિયા કુળમાં પરણ્યા હતા એમને મળેલા એમના પ્રેમ લાગણી આગતા સ્વાગતા ભોળપણ જોઇ?ખૂબ રાજી થયા. એ વંશના 8મી પેઢીના ભચાઉ નવા ગામના હરિભક્તો આજે પણ સત્સંગ સાથે જ છે. વક્તા સ્વામી શ્યામપ્રસાદદાસજીએ ભચાઉ સાથેના પ્રસંગો વર્ણવ્યા હતા. વડીલ સંત પ્રેમપ્રકાશજી સ્વામીએ કહ્યું કે, ભગવાને સ્થાપેલા બગીચાનું રક્ષણ કરવા અમે વારંવાર ભુજથી આવીએ છીએ. મંદિરો હશે તો સત્સંગ વધશે. તેમણે આધોઇમાં તૈયાર કરાયેલા મંદિર વિશે અને ખારોઇમાં બંધાતા મંદિર વિશે વાત કરી હતી. તા. 10/12 સોમવારે સવારે ઠાકોરજીને અભિષેક, બપોરે અન્નકૂટ, વચ્ચે કથા અને પછી પૂર્ણાહુતિ થશે. આ પ્રસંગે ભચાઉ સ્વામિ. મંદિરના ટ્રસ્ટી વીરજીભાઇ ખુથિયા, ઘનશ્યામ ખીમજી નીશર, ઘનશ્યામ પૂંજા, લાલજી કાંઇયા ખુથિયા, બાબુલાલ ખુથિયા, શાંતિલાલ ખુથિયા સહિત જહેમત લે છે. અન્ય અગ્રણીઓમાં ભુજ મંદિરના માજી ટ્રસ્ટી લાલજીભાઇ ખુથિયા, ફતુભા બાપુ, હરજીભાઇ ગજીયાવાળા, મનસુખભાઇ ઠક્કર સહિત જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer