વેલસ્પનના માધ્યમથી અજાપર મોડેલરૂપ ગામ

વેલસ્પનના માધ્યમથી અજાપર મોડેલરૂપ ગામ
ભુજ, તા. 9 : વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ તથા અજાપર ગ્રામ પંચાયતના ઉપક્રમે રવિવારે ગામમાં જ ચાલી રહેલા પ્રોજેકટ મોડેલ વિલેજ અંતર્ગત  પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ-ડિજિટલ કલાસરૂમ તેમજ ગામના નૂતન પ્રવેશદ્વારનું રાજયમંત્રી વાસણભાઈ આહીર તેમજ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત વેલસ્પન ગ્રુપના બાલકૃષ્ણ ગોયન્કા, દીપાલીબેન ગોયન્કા, મુખ્ય મહેમાન દિલીપકુમાર લેખી સહિત ગામના સરપંચ અને આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું.  વેલસ્પ્ન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ અંતર્ગત અજાપરમાં હાથ ધરાયેલા પ્રોજેકટ મોડેલ વિલેજમાં મહિલા અને બાળકોના સશક્તિકરણની, સ્વચ્છતા-પર્યાવરણની જાળવણી જેવા કાર્યોની નેમ જાહેર કરાઇ છે.     આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈએ જણાવ્યું હતું કે, ભૂકંપ સમયના અજાપરમાં આજે ઘણું પરિવર્તન જોવા મળે છે. નરેન્દ્રભાઈ મોદી અનેક ઉદ્યોગગૃહો કચ્છમાં લાવ્યા હતા. વેલસ્પન  ગ્રુપ દ્વારા કરાતા સામાજિક વિકાસના કાર્યો બદલ ખુશીની લાગણી વ્યકત કરી હતી.  સી.એસ.આર. અંતર્ગત કરાતાં વિવિધ કાર્યો તેમજ કચ્છના બેરોજગારો ભાઈ-બહેનોને અપાતી રોજગારીનો ઉલ્લેખ પણ કર્યો હતો. શ્રી આહીરે કચ્છમાં આ વર્ષે અછતની પરિસ્થિતિ ઊભી થઇ હોવાનું જણાવી સ્થળ પર જ વેલસ્પન કંપની દ્વારા પશુધન ઘાસચારા માટે રૂ. 15 લાખ આપવાની બાલકૃષ્ણ ગોયન્કા તરફથી ઉપરાંત દિલીપકુમાર લેખી તરફથી રૂ. 15 લાખની પશુધનના ઘાસચારા માટેની પહેલને પણ તેમણે સહર્ષ વધાવી આભારની લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ  વિનોદભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.  પ્રારંભે પૂર્વ સરપંચ નારાણભાઈ ચૈયાએ સ્વાગત પ્રવચનમાં કંપની ગામને દતક લઇને મોડેલ વિલેજ બનાવવાનું બીડું ઝડપી મોડેલ ગામની પરિકલ્પના સાકાર કરતાં અજાપર સમગ્ર દેશમાં મોડેલરૂપ ગામ બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન અને વેલસ્પનના સીઇઓ દિલીપકુમાર લેખી, કરૂણાબેન લેખી, ગામના સરપંચ ધનજીભાઈ ચૈયા, ઉપસરપંચ પ્રભુ કરણા રબારી, વેલસ્પન ગ્રુપના રાજકુમાર,  ડાયરેકટરો શ્રી ચક્રવર્તી, એ.કે.જોષી તેમજ  અતુલ વાહી, શ્રી મુખરજી, પ્રિતીબેન, ગોપાલભાઈ માતા, શંભુભાઈ એઠવાડિયા સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમનું સંચાલન મનસુખભાઈ મઢવીએ સંભાળ્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer