બાદરગઢ ગામે 24 લાખનો ફાળો ભેગો કરી દૈનિક નીરણનો કરાયો પ્રારંભ

બાદરગઢ ગામે 24 લાખનો ફાળો ભેગો કરી દૈનિક નીરણનો કરાયો પ્રારંભ
રાપર, તા. 9 : તાલુકાના બાદરગઢના જીવદયાપ્રેમીઓએ કાળમુખા દુષ્કાળના વરવા સમય સામે ભેઠ બાંધી છે. ગામની ગવતરીઓ માટે ચોવીસ લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરી  રોજ દશ હજારનો ચારો અપાશે. સંતોની તપોભૂમિ બાદરગઢ ગામે કાળમુખા દુકાળના વરવા વખતમાં સૌએ સાથે મળીને ભેઠ બાંધી છે. ધરતી માતા લીલુડી ચૂંદડી ધારણ કરે ત્યાં લગી ગામની 300 ગવતરીઓ માટે ભંડોળ ભેગું કર્યું છે. રોજનો દશ હજાર રૂપિયાનો ચારો ગૌમાતાઓને અપાશે. ગામના યુવાનો પણ રોજેરોજ આ ગવતરીઓની સેવા કરવા શ્રમસેવા કરશે. દેતે પૈસે ચારો મળતો નથી અને આંગણે ગાય ભૂખેભૂખી ભાંભરડા મારે એ ગૌપ્રેમીઓને કેમ ગમે ? પરંતુ કેટલાક સાત્ત્વિક સેવાભાવીઓને થયું કે આપણું ધન આવા વરવા વખતમાં અબોલ જીવો માટે વપરાય એનાથી રુડું શું ? સૌએ સાથે મળી સંકલ્પ કર્યો અને ચોવીસ લાખ રૂપિયા જેવી રકમ ગામની ગાયો માટે એકઠી થઈ અને ચારો આપવાના શ્રીગણેશ પણ થયા. યુવાનો પણ સેવા કરવા દોડી આવ્યા. ગાયોની ચાલમાં પણ ચેતન આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer