સરકારને વિહિપ-સંઘનું આખરીનામું

નવી દિલ્હી, તા. 9 : અહીં રામલીલા મેદાનમાં રવિવારે વિશ્વ હિન્દુ પરિષદ યોજિત ધર્મસભામાં સ્વામી પરમાનંદે મોદી સરકારને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન રામ મંદિર નિર્માણનું પોતાનું વચન પૂરું નહીં કરે, તો અમે તેમને બીજીવાર સત્તામાં નહીં આવવા દઇએ. અમે નથી તમારી કઠપૂતળી કે નથી તમારાથી ડરતા, તેવું તેમણે ઉમેર્યું હતું. દિલ્હીના રામલીલા મેદાનમાં ચાંપતા બંદોબસ્ત વચ્ચે યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદની `ધર્મસંસદ'માં ભગવા ખેસ અને ઝંડાઓ સાથે વિશાળ સંખ્યામાં `ભગવા સંગઠનો'નો કાર્યકર સમુદાય ઊમટી પડયો હતો. બીજી તરફ રામલીલા મેદાન પર ઊમટેલા હજારો કાર્યકરોને સંબોધતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક સુરેશ ભૈયાજી જોશીએ પણ કહ્યું હતું કે, રામ મંદિર માટે ભીખ નથી માગી રહ્યા. સરકારે કાયદો બનાવવો જોઇએ. દરમ્યાન, ધર્મસભાને સંબોધતાં સાધ્વી ઋતુમ્ભરાએ કહ્યું હતું કે, હું હિન્દુઓને એકજૂટ થવાની અપીલ કરીશ. નહીંતર તેમને હક્ક નહીં મળે. હિન્દુઓની એક તકલીફ છે કે, તેઓ જાતિનાં નામે વિભાજિત થઇ જાય છે. યોગીજીએ અયોધ્યાને રોશન કરવાનું કામ કર્યું પરંતુ જ્યાં સુધી રામલલા અયોધ્યામાં પોતાનું ઘર નહીં મેળવે, ત્યાં સુધી દેશને શાંતિ નહીં મળે, તેવું તેમણે કહ્યું હતું. સંસદનું શિયાળુ સત્ર મંગળવારથી મળી રહ્યું છે અને તેનાં બે દિવસ પૂર્વે જ આયોજિત આ સભામાં સરકાર ઉપર રામ મંદિર માટે વટહુકમ કે કાયદા માટે સખત દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલીમાં એકત્ર મેદનીને સંબોધતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરકાર્યવાહક સુરેશ ભૈયાજીએ ભાજપ અને મોદી સરકાર ઉપર છદ્મ હુમલો બોલાવતાં આખરીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે રામ મંદિર માટે કોઈ ભીખ માગવામાં આવી રહી નથી. સરકારે તેના માટે કાયદો બનાવવો જ જોઈએ અને તેના સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. સંઘના અગ્રીમ નેતા ભૈયાજી જોશીએ પોતાનાં સંબોધનમાં સરકાર ઉપર જબરદસ્ત ઘા કરતાં કહ્યું હતું કે જે લોકો આજે સત્તામાં છે તેમણે રામ મંદિર બાંધવાનું વચન આપેલું. આ લોકોએ જનતાનો અવાજ સાંભળવો જોઈએ અને તેમની ભાવનાનો આદર થવો જોઈએ. દેશ રામરાજ્યની સ્થાપના ચાહે છે. તેમણે પોતાનાં ભાષણમાં સુપ્રીમ કોર્ટ ઉપર પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે ન્યાયાલયની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ ઉપર સુનાવણી જાન્યુઆરી માસ સુધી ટાળી દીધી છે. આ વિશે તેમણે કહ્યું હતું કે અદાલતે જનભાવનાનું સન્માન કરવું જોઈએ. દેશમાં ન્યાયતંત્ર અને અદાલતો પરત્વે અવિશ્વાસનું ઉત્થાન સંભવ નથી અને આ વિશે પણ ન્યાયપાલિકાએ વિચાર કરવો જોઈએ. ભૈયાજીએ આગળ કહેલું કે આપણે (હિન્દુઓને) કોઈ સાથે ઘર્ષણ નથી. પછી ભલે તે કોઈપણ પ્રકારની પૂજામાં માનતા હોય. જો ઘર્ષણ જ કરવાનું હોત તો આટલો લાંબો સમય રાહ પણ જોવામાં આવી ન હોત. માટે જ આને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી પણ જોવું ન જોઈએ. મંદિર નિર્માણ જ ભવિષ્યમાં રામરાજ્યનો પાયો બનશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer