મિશેલ પછી માલ્યા ? : પ્રત્યાર્પણનો ફેંસલો આજે

નવી દિલ્હી, તા. 9 : બેન્કો પાસેથી 9000 કરોડ રૂપિયાથી વધુની લોન લઈને વિદેશ નાસી છૂટેલા શરાબના કારોબારી વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે આવતીકાલે સોમવારના રોજ બ્રિટનની એક અદાલતમાં સુનાવણી થવાની છે. આ સુનાવણીને લઈને સીબીઆઈ અને ઈડીની એક સંયુક્ત ટીમ રવિવારે જ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એ.સાઈ મનોહરના નેતૃત્વમાં બ્રિટન જવા રવાના થઈ હતી.  બ્રિટનની અદાલતમાં સુનાવણી બાદ આવતીકાલે જ પ્રત્યાર્પણ માટેનો ચુકાદો પણ આપવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માલ્યા ભારતની પ્રત્યાર્પણની અરજી સામે બ્રિટનમાં કાયદાકીય લડાઈ લડી રહ્યો છે. જેના માટે અગાઉ ભારતે ભારતીય જેલની સ્થિતિ પણ બ્રિટનની કોર્ટમાં રજૂ કરી હતી. જેને લઈને બ્રિટનની કોર્ટ તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળી હતી. તેવામાં ભારતીય એજન્સીઓની પકડ મજબૂત થતી હોવાથી માલ્યાએ થોડા દિવસ અગાઉ જ બેન્કોને મુદ્દલ રકમ પરત કરવાની એક ઓફર પણ આપી હતી. તેમજ ભાગેડુ આર્થિક અપરાધી હેઠળની કાર્યવાહી ઉપર સ્ટે મૂકવામાં આવે તેના માટે અરજી પણ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય  ન્યાયાધિશ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની ખંડપીઠે કાર્યવાહી ઉપર રોક મૂકવાનો ઈનકાર કર્યો છે. તેવામાં હવે આવતીકાલે બ્રિટનની કોર્ટમાં સુનાવણી બાદ માલ્યાના પ્રત્યાર્પણનું ચિત્ર વધુ સ્પષ્ટ બની જશે. અબલત્ત એવાય અહેવાલ છે કે પ્રત્યાર્પણનો ચુકાદો આવ્યા પછીય માલ્યાને તરત ભારત લાવી શકાશે નહીં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer