ભુજમાં સમાચાર વેબસાઇટના સંચાલકને બિલ્ડરની ધાકધમકી

ભુજ, તા. 9 : શહેરમાં હોટલના માલિકને જમીનના મામલા અનુસંધાને ધાકધમકી સાથેની કનડગત અત્રેના યુવા બિલ્ડર દ્વારા થવા વિશે અહેવાલ પ્રગટ કરનારા વેબસાઇટના સંચાલકને ધાકધમકી સાથે જાતીય રીતે અપમાનિત કરાયા હોવાનો મામલો પોલીસ દફતરે ફરિયાદના સ્વરૂપમાં ચડયો છે. કચ્છ ખબર ડોટ કોમ નામની સમાચારની વેબસાઇટ ચલાવતા ઉમેશ ઇશ્વરભાઇ પરમારે તેમની સાથે બનેલી આ ઘટના બાબતે ભુજના જમીનના ધંધાર્થી અને બિલ્ડર લાલો ઉર્ફે વિનય રેલોન સામે આજે આ ફરિયાદ બી. ડિવિઝન પોલીસમાં દાખલ કરાવી હતી. હોટલ માલિકને સંલગ્ન ધાકધમકી કરવાનો અહેવાલ પ્રસારિત કરવાના મુદે આરોપીએ તને ભારે પડી જશે તેવું કહેવા સાથેની ધાકધમકી કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસદળના એસ.સી. એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષકને એટ્રોસીટી સહિતની કલમ તળેના આ કેસની તપાસ સોંપાઇ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer