અંતરિયાળ ગામોમાં શિક્ષકોની ગેરહાજરીનું પ્રમાણ ઊંચું છતાં `સબ સલામત''નો આલાપ

ભુજ, તા. 9 : અંદાજે 10 હજાર શિક્ષકો અને 2000 જેટલી પ્રાથમિક સરકારી અને ખાનગી શાળા ધરાવતા કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામોમાં શિક્ષકોની ગેરહાજરીનું પ્રમાણ ઊંચું હોવા છતાં શિક્ષણતંત્ર દ્વારા `સબ સલામત'નો રાગ આલાપવામાં આવી રહ્યાનો આક્ષેપ ખુદ શિક્ષણતંત્રમાંથી ઊઠી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો એક રાજ્ય જેટલો વિસ્તાર ધરાવતા આ જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલી શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહે છે, જેના કારણે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર પણ અસર રહે છે. જો કે કયાંક કયાંક અધિકારી દ્વારા નોટિસ આપી સંતોષ માની લેવાય છે., પરંતુ ધાક બેસાડતી કામગીરી જવલ્લેજ થતી જોવા મળે છે. તેવી જ રીતે થોડા સમય પહેલા નખત્રાણા તાલુકામાં  વ્યવસ્થામાં બેઠા છે તેવા શિક્ષકોને છૂટા કરવા માગ ઊઠી હતી તેમ છતાં હજુ સુધી આ વ્યવસ્થા રદ કરવામાં આવી નથી. જેનાપરથી એવું ચિત્ર ઉપસે છે કે, જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અમલવારી કરાવી શકતા નથી.આ ઉપરાંત રાપર તાલુકામાં  ભાગેડુ શિક્ષકો સામે તેમજ ખુદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ મુલાકાત લીધી હોય કે જિલ્લા વિકાસ અધિકારહીએ અગાઉ ચેકિંગ હાથ ધરી હોય તેવા શિક્ષક સામે માત્ર નોટિસ પાઠવી  શિક્ષણતંત્રે કોઈ પગલાં લીધા હોય તેવું જાણવા મળ્યું નથી. તો તાજેતરમાં જ ભુજમાં જ ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચના બાદ બી.આર.સી.-સી.આર.સી.ની 14 જેટલી ટીમો બનાવી ભુજમાં ને ભુજમાં જ વહેલી સવારથી ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હોવા છતાં આજે લગભગ અઠવાડિયા સુધી કોના સામે શું કાર્યવાહી કરાઈ અથવા તો કઈ શાળામાં કોણ હાજર-ગેરહાજર હતા તેની માહિતી પણ અધિકારી સમક્ષ પહોંચી નથી.આ અંગે સતત વિવિધ પ્રવૃત્તિઓમાં છવાયેલા રહેતા `ઉત્સાહી' ભુજ ટીપીઈઓનો ફોન પર સંપર્ક કરતાં તેમનો ફોન નો રિપ્લાય આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે તેવી માહિતી ઉપલી કક્ષાએ માગવામાં આવી છે, તો આવા શિક્ષકો સામે અથવા તો લાંબા સમયથી જેમની સામે તપાસ કે ફરિયાદો પેન્ડિંગ છે તેની સામે તંત્ર શું પગલાં લેશે તે તો આવનારા સમયમાં જાણી   શકાશે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક કરતાં તેમણે ગેરહાજર શિક્ષકો બાબતે જણાવ્યું કે, આવી ફરિયાદો બાદ અડધા જ કલાકમાં ટીમો મોકલવામાં આવે છે. તેમ છથી 12 મહિનાની ગેરહાજરી ધરાવતા શિક્ષકોને છૂટા કરી દેવામાં આવે છે. અત્યાર સુધી 11 શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. તો અમુકના પગાર કપાત અને ઈક્રીમેન્ટ અટકાવાયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer