માંગ વધતાં કચ્છના લિગ્નાઇટમાં `ઓન''ની લખલૂટ કમાણી

પ્રફુલ્લ ગજરા દ્વારા
ભુજ, તા. 9 : માલની ગુણવતામાં સારો એવો સુધારો થવાના પગલે માતાનામઢ (લખપત) ખાણના લિગ્નાઇટની માંગમાં હાલે જબ્બર ઉછાળો આવ્યો છે.  પરન્તુ રાજય ખનિજ વિકાસ નિગમ દ્વારા કવોટામાં મોટો ઘટાડો કરવામાં આવતાં કચ્છનો આ સારો લિગ્નાઇટ `ઓન'માં રાજ્યભરમાં ધૂમ વેચાઇ રહ્યો છે. ખાણેથી નીકળતી અડધોઅડધ ગાડીઓ ઓનમાં વેચાઇ જતી હોવાથી આવું કરનારા રોજના લાખો કમાઇ રહ્યા હોવાનું પણ સપાટીએ આવ્યું છે. માતાના મઢ ખાણમાં લિગ્નાઇટના ઉત્ખનન માટેનો ઠેકો આગામી તા. 31મી ડિસેમ્બરે પૂરો થઇ રહ્યો છે અને નવા ટેન્ડરના હજુ કોઇ જ ઠેકાણા નથી આ વચ્ચે તાજેતરના દિવસોમાં ખાણના લિગ્નાઇટની ગુણવતા અત્યંત નબળી અને હલકી કક્ષાની નીકળતાં માંગને મોટો ફટકો પડયો હતો. પણ હાલે છેલ્લા દશેક દિનથી અત્યંત સારી કહી શકાય તેવી ગુણવતાનો માલ ખાણના પેટાળમાંથી નીકળતાં સ્વાભાવિક રીતે તેની માંગમાં અભૂતપૂર્વ કહી શકાય તેવો ઉછાળો આવ્યો છે. આ સ્થિતિમાં કચ્છમાં અગાઉ કયારેય ન વેચાયો હોય તેવો ટનદીઠ રૂા. 500ની `ઓન'નો ધંધો ધમધોકાર રીતે ધમધમવા લાગ્યો છે.  વ્યવસાયને સંલગ્ન સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર ખનિજ વિકાસ નિગમે કવોટામાં જબ્બર કાપ મૂકી દેતાં મહિને સિતેર ગાડી માલ મગાવનારાને માંડ સાત ગાડી માલ મળી રહ્યો છે. માલની અછત ઊભી થતાં વપરાશકારો ઉપરના રૂપિયા આપીને પણ આ સારો લિગ્નાઇટ ખરીદી રહ્યા છે. એક બિનસત્તાવાર અંદાજ મુજબ અત્યારે રોજ મઢ ખાણેથી ત્રણેક સો ગાડી નીકળે છે, જેમાંથી અડધોઅડધ ઓનમાં ચાલી જાય છે.  જાણવા મળતી વિગતો અનુસાર આ લિગ્નાઇટ ખાણમાંથી નીકળતા અને બે નંબરમાં ઓનમાં વેચાઇ જતા માલ પછવાડે બોગસ રજિસ્ટ્રેશનનું કૌભાંડ પણ ચાલી રહ્યું હોવાનું ધીરેધીરે સપાટીએ આવી રહ્યુ છે. દક્ષિણ ગુજરાતના સુરત સેન્ટર માટે રોજની 70થી 80 ગાડી માલ ભરીને ખાણેથી નીકળી રહી છે પણ આ ગાડીઓ પૈકી આંગળીના વેઢે ગણી શકાય તેટલી ગાડીઓ માંડ સુરત પહોંચી રહી છે. જ્યારે બાકીની ખાસ કરીને અમદાવાદ વિસ્તારમાં પહેંચી રહી છે. હદ તો ત્યાં થઇ છે કે કચ્છમાં કયાંય ઇંટોના ભઠ્ઠા નથી આમ છતાં આવા ભઠ્ઠાઓના ડી.ઓ. નીકળ્યા છે અને માલ પણ ઉપડયો છે. અલબત અત્યારે આવા ભઠ્ઠાના ડી.ઓ. કઢાવાતા નથી. તો લિગ્નાઇટના વપરાશકાર તરીકે નોંધાયેલા અને જેમના નામે ડી.ઓ. કઢાવાય છે તેવા અન્ય કેટલાક વ્યવસાયી સ્થાનોનો માલ પણ પરબારો અન્યત્ર જતો હોવાની બૂમ વ્યાપક બની છે. આ સંબંધી આંકડા અને  દાખલા તથા દલીલો સાથેની વાતચીત કરતાં સૂત્રો જણાવે છે કે ટનદીઠ રૂા. 500ની ઓનને લઇને 17 ટનની ગાડી પછવાડે રૂા. 8500ની મલાઇ જે તે ડી.ઓ. ઓપરેટર સીધેસીધે ખાઇ રહ્યા છે. અડધોઅડધ ગાડીઓ ઓનમાં જતી હોવાની વાતને કેન્દ્રમાં રાખતાં જો રોજ દોઢેક સો ગાડી જતી હોય તો દૈનિક પંદરેક લાખ રૂપિયા ઓનના થવા જઇ રહ્યા છે. ઓનના લિગ્નાઇટમાં પરાપૂર્વથી જામેલા, કમાયેલા અને પહેંચેલા -પામેલા પરિવહનકારોનો મુખ્યત્વે દબદબો હોવાની વિગતો પણ જાણવા મળી છે. ખનિજ વિકાસ નિગમ તપાસણી કરીને સાચા વપરાશકારો વિશેની વિગતો મેળવે તો બોગસ રજિસ્ટ્રેશનનું મસમોટું કૌભાંડ ખૂલવાનો દાવો પણ સૂત્રોએ કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer