સાસરે પહોંચેલા શખ્સે પત્નીના ખૂનનો પ્રયાસ કરવા સાથે સસરાને ફટકાર્યો

ગાંધીધામ, તા. 9 : ભચાઉ તાલુકાના વિજપાસર ગામમાં સાસરિયામાં આવી એક શખ્સે પોતાના સસરાને માર મારી અને પોતાની પત્નીને ફિનાઇલ પીવડાવી તેને મારી નાખવાની કોશિષ કરતાં આ શખ્સ વિરુદ્ધ  પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વિજપાસરના જશુબેનના લગ્ન સાતેક વર્ષ અગાઉ મનફરાના વિજય ડુંગરિયા સાથે થયા હતા. ચારેક માસ સુધી આ બન્નેનું દામ્પત્ય જીવન બરોબર ચાલ્યા બાદ આ શખ્સ પોતાની પત્ની ઉપર શક વહેમ રાખી તેને શારીરિક, માનસિક ત્રાસ આપતો હતો. દરમ્યાન આ યુવતી પોતાના પિયર આવી જતાં જે-તે વખતે હવે શક વહેમ નહીં રાખે તેવા લખાણ પણ લખાયા હોવાનું પોલીસ ફરિયાદમાં આ મહિલાએ જણાવ્યું છે. મનફરાથી હાલે સામખિયાળી રહેવા ગયેલ આ શખ્સે ફરીથી પત્ની ઉપર શક વહેમ રાખતાં આ મહિલા પોતાના પિયર વિજપાસર આવી ગઇ હતી. આઠેક મહિનાથી પિયર રહેતી આ મહિલાના પિતાના ઘરે આ શખ્સ તા. 7-12ના આવ્યો હતો. પહેલાં તેણે પોતાના સસરાને માર મારી બાદમાં પોતાની પત્ની એવા જશુબેનને ફિનાઇલ પીવડાવી તેને મારી નાખવાની કોશિષ કરી હતી. આ બનાવમાં મહિલાને પ્રથમ ભચાઉ અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજ લઇ જવાઇ હતી. હત્યાની કોશિષના આ બનાવમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer