કચ્છમાં શાળા વિભાજન બાદ શિક્ષકોને કાયમી નિમણૂકના હુકમ મળ્યા નથી

ભુજ, તા. 9 : કચ્છ જિલ્લામાં શાળા વિભાજન બાદ શિક્ષકોને શાળામાં કાયમી નિમણૂક હુકમ મળ્યા નથી તે આપવા, તેમજ ટીપીઓ અને બીટકેની ખાલી જગ્યામાં ચાર્જ સિનિયોરિટી પ્રમાણે આપવામાં આવે તે સહિતના વિવિધ મુદ્દે શિક્ષણમંત્રી અને પ્રાથમિક શિક્ષણ નિયામકને ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રજૂઆત કરાઇ હતી.પ્રાથમિક, એચટાટ, માધ્યમિક અને સરકારી ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના પ્રશ્નો અને માગણી સંદર્ભેની રજૂઆતમાં રાજ્ય અધ્યક્ષ ઘનશ્યામભાઇ પટેલ અને સરકારી ઉચ્ચ માધ્યમિક વિભાગ સંયોજક વિજયભાઇ ખટાણા સહિતના હોદ્દેદારો જોડાયા હતા. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે અને પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઇ. જોશીને જિલ્લાના આંતરિક બદલી કેમ્પ પછી તરત જ રાજ્યનો બદલી કેમ્પ દર વર્ષે ફરજિયાત યોજવા, ભરતી પહેલાં બદલી કેમ્પ યોજવા, રાજ્યના બદલી કેમ્પમાં જિલ્લા ટ્રાન્સફરમાં બિનજિલ્લાની ખાલી જગ્યા પર જ વિષયને આધારે નિમણૂક મળતી હોઈ પાંચ વર્ષની મર્યાદા કેન્સલ કરી સિનિયોરિટીના આધારે બદલી કેમ્પમાં ભાગ લેવા દેવા સહિતના પ્રશ્ને રજૂઆત કરાઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer