ભુજમાં મોબાઇલ ફોનના વિક્રેતાઓ સાથે ઠગાઇ કરનારા બે ભાઇની ધરપકડ

ભુજમાં મોબાઇલ ફોનના વિક્રેતાઓ સાથે ઠગાઇ કરનારા બે ભાઇની ધરપકડ
ભુજ, તા. 6 : શહેરમાં મોબાઇલ ફોનનું વેચાણ કરતા વિવિધ વિક્રેતાઓ સાથે મોબાઇલની ખરીદીને લઇને મોટી રકમની છેતરપિંડી થવાના ભારે ચકચારી કેસમાં અંતે પોલીસે આરોપી મૂળ નિરોણા (નખત્રાણા)ના અને હાલે માધાપર (ભુજ) રહેતા મયંક અનિલભાઇ ગજરા અને તેના ભાઇ રાહુલ અનિલભાઇ ગજરાની વિધિવત ધરપકડ કરી હતી.  આ કેસની તપાસનીશ એજન્સી ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ સમક્ષ કેસના બન્ને તહોમતદાર રજૂ થયા બાદ તેમની પૂછતાછ સાથે તેમની પાસેથી પુરાવા અને સાહિત્ય અંકે કરવાની કાર્યવાહી પોલીસે અવિરત રાખી હતી. આ કામગીરી પૂર્ણ થતાં અને પૂરતા પુરાવા મળી જતાં બન્ને આરોપીની વિધિવત ધરપકડ કરાઇ હતી.  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્નેને રિમાન્ડની માગણી સાથે અદાલત સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આવતીકાલ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. હાલતુરત તહોમતદારો પાસેથી વીવો કંપનીનો એક મોબાઇલ ફોન મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવ્યો છે. શહેરમાં બજાજ ફાઇનાન્સ કંપનીની શાખામાં નોકરી કરતા મયંક ગજરાએ વિવિધ મોબાઇલ વિક્રેતાઓ પાસેથી મોટી રકમના ફોન ખરીદયા હતા. અનેક વિક્રેતાઓની રકમ બાકી રખાઇ હતી. તો કેટલાકને અપાયેલા ચેક બેન્કમાંથી પરત ફર્યા હતા. આ મામલે જવાબદારો સામે પગલાં લેવા વિક્રેતાઓ રેલી સ્વરૂપે પણ તંત્ર સમક્ષ પહોંચ્યા હતા. આ પછી લાલટેકરી ખાતે દીપદર્શન નામની દુકાન ધરાવતા પ્રતીક ધનસુખ દોશીએ આ બાબતે ફોજદારી ફરિયાદ લખાવી હતી. જે કેસમાં બન્ને આરોપી ઝડપાયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer