નલિયા 11 ડિગ્રી ઠારમાં ઠર્યું

નલિયા 11 ડિગ્રી ઠારમાં ઠર્યું
ભુજ, તા. 6 : વહેલી સવાર અને ઢળતી સાંજ પછી રાત્રે ઘરોની બહાર નીકળતા કચ્છીઓની સંખ્યા હવે ઘટવા માંડી છે. શિયાળુ ઠાર અંગસોંસરવો આરપાર થઈને ઠારવા માંડયો છે. સરહદી જિલ્લાનું પરંપરાગત શીતમથક નલિયા ગુરુવારે 11?ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યભરમાં સૌથી વધુ ઠર્યું હતું. મોસમ દરમ્યાન આખા રાજ્યમાં પારો સરકીને 11?ડિગ્રી પર પહોંચ્યો હોય તેવું આજે પહેલીવાર બન્યું હતું. રાત અને દિવસના તાપમાન વચ્ચે વીસ ડિગ્રી જેટલો મોટો તફાવત રહેતાં વાતાવરણમાં વિષમતા સાથે સવાર અને રાત ઠર્યા હતા. ગુરુવારે વાતાવરણમાં ઊડીને આંખે વળગે તેવા ફેરફારરૂપે કાંઠાળ વિસ્તારોમાં પહેલીવાર પારો 20 ડિગ્રી કે તેથી નીચે સરકયો હતો. કંડલા પોર્ટ પર 15.2, માંડવીમાં 19 અને મુંદરામાં 20?ડિગ્રી સેલ્સિયસ સાથે આજે ટાઢોડું અનુભવાયું હતું. ભેજનું પ્રમાણ ઘટવાની સાથોસાથ ઉત્તર-પૂર્વના પવનોના પગલે સર્વત્ર શીતલહેર ફરી વળી છે. રાપર અને ખાવડામાં 14 ડિગ્રી સેલ્સિયસ સાથે વાગડ પંથક તેમજ રણકાંધીના સીમાવર્તી ગામડાંમાં જનજીવન મોસમી ઠારમાં ઠર્યું હતું. વાડી વિસ્તારથી ઘેરાયેલા માકપટ પંથકમાંય હવામાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ કંડલા એરપોર્ટ પર 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં અંજારથી વરસામેડી સહિતના પૂર્વીય વિસ્તારો પવન પ્રેરિત ઠારમાં ઠર્યા હતા. ઘર, વત્રો, ધાબળાની હૂંફ સંપન્ન વર્ગને તો સહજસુલભ છે, પરંતુ ઠંડી જામવા માંડી છે ત્યારે કાચા ઝૂંપડામાં વસતા દરિદ્રનારાયણોની દશા કરુણા જન્માવે તેવી થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer