114 વિદ્યાર્થી પીએચ.ડી. માટે શોધ શરૂ કરશે

114 વિદ્યાર્થી પીએચ.ડી. માટે શોધ શરૂ કરશે
ભુજ, તા. 6 : સંશોધન જેવા મહત્ત્વના ક્ષેત્રે કચ્છ યુનિવર્સિટીએ આજે સવારે એક નક્કર અને મહત્ત્વનું પગલું ભર્યું હતું. ગત ઓગસ્ટમાં લેવામાં આવેલી પીએચ.ડી. (ડોક્ટર ઓફ ફિલોસોફી)ની પરીક્ષાની પ્રવેશ પરીક્ષા આજે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ યુનિ. ખાતે આજે તેના સંશોધન સંબંધી 15 દિવસીય અભ્યાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 114 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલના કો-ઓર્ડિનેટર અને યુનિ.ના ભૂસ્તરશાત્ર વિભાગના વડા ડો. એમ.જી. ઠક્કરના જણાવ્યા મુજબ, યુજીસીની માર્ગદર્શિકા અંતર્ગત પીએચડી.માં છાત્રોને પ્રારંભમાં સંશોધન પદ્ધતિઓ, કાર્યરીતની સમજ આપવાની હોય છે. એ અનુસંધાને સંભવત: ગુજરાતમાં પ્રથમવાર કોઈ યુનિ.એ આ રીતની પહેલ કરી છે. જેમાં પ્રારંભના તબક્કે 15 દિવસ તમામ વિષયના વિદ્યાર્થીઓનો યુજીસીની માર્ગદર્શિકા અને સિલેબસ મુજબ વર્કશોપ શરૂ થયો છે. જેમાં રોજ અલગ અલગ 30 પ્રાધ્યાપકો માર્ગદર્શન આપશે. બાદમાં વિષય અનુસાર તેમના ડિપાર્ટમેન્ટમાં વધારાનું એક પખવાડિયું માર્ગદર્શન અપાશે. તે પછી છાત્રનું રજિસ્ટ્રેશન થશે અને સંશોધન કાર્ય આગળ ધપશે. સવારે યુનિ. ખાતે કુલપતિ ડો. સી.બી. જાડેજાની અધ્યક્ષતામાં આ કાર્યશિબિરનો પ્રારંભ થયો હતો. જેમાં ડો. જાડેજાએ કહ્યું કે, દોઢ વર્ષની કવાયત અને યુજીસીની લીલીઝંડી બાદ પીએચ.ડી. અભ્યાસ પુન: શરૂ કરવામાં આવ્યો હતો પણ આંકડો અગાઉ કરતાં ઘણો વધુ છે એ સારી સફળતા છે. અહીં એ નોંધનીય છે કે 2014 પછી લાંબા સમયગાળા બાદ કચ્છ યુનિ.માં ગત જુલાઈમાં પીએચડી.ની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. યુજીસીના મુસદ્દાથી ઊભી થયેલી ગૂંચવણોનું સ્પષ્ટીકરણ થયા બાદ નિયમાનુસાર જ આ પરીક્ષા લેવાઈ હતી. એ પછી છાત્રોના ઈન્ટરવ્યૂ લેવાયા અને જૂથચર્ચા યોજવામાં આવી. આ પછી રિસર્ચ એડવાઈઝરી કમિટી દ્વારા પસંદગીના આધારે લગભગ કસોટીઓમાંથી પાર ઊતરતા લગભગ 114 વિદ્યાર્થીને 15 દિવસ માર્ગદર્શન અપાશે. બીજીતરફ, સત્તાવાર મળેલી વિગતો મુજબ કચ્છ યુનિ. વિવિધ 12 જેટલા વિષયોમાં સંશોધન કાર્યને આગળ ધપાવશે જેમાં સૌથી વધુ કોમર્સના 22, ભૂસ્તરશાત્રના અને અંગ્રેજી બંનેના 14 તથા મેનેજમેન્ટના 11 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. મનોવિજ્ઞાન વિષયમાં ગાઈડની ઉપલબ્ધતા છે પરંતુ, કોઈ છાત્ર આ સંશોધન કાર્ય માટે પસંદગીના અંતિમ તબક્કા સુધી નથી પહોંચ્યો. યુનિ. પાસે તેના ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કોલેજોમાંથી કુલ 48 માન્ય ગાઈડ છે. જેમાં સૌથી વધુ શિક્ષણ શાખામાં કુલ 6 ગાઈડ તરીકે માન્ય વરિષ્ઠ પ્રાધ્યાપકો છે, અને કોમર્સ તથા મેનેજમેન્ટ મળીને કુલ 8 ગાઈડ છે. આજથી શરૂ થઈ રહેલા કોર્ષ વર્કમાં કચ્છ ઉપરાંત જિલ્લા બહારના પણ 14 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer