રવિવારે ચોવીસીમાં યુવા સામાજિક ઐકય સાઇકલ યાત્રા

રવિવારે ચોવીસીમાં યુવા સામાજિક ઐકય સાઇકલ યાત્રા
કેરા (તા. ભુજ), તા. 6 : ડિસેમ્બર 28થી 31, કચ્છનો લેઉવા પટેલ સમાજ આરોગ્ય તવારિખમાં આલેખાય તેવા અનુબંધ સાથે કન્યા વિદ્યા મંદિર શાળાનો રજત જયંતી મહોત્સવ ઉજવવા તૈયારીમાં પરોવાયો છે. જિલ્લાને કેન્સર, કાર્ડિયાક, કિડની સહિતની સુપર સ્પેશિયાલિસ્ટ સારવારના સંકલ્પ સાથે ચાર દિવસીય ઉજવણી થનાર છે, જેની પત્રિકા જ્ઞાતિના ઘર ઘર સુધી પહોંચાડવા સમાજના યુવક-યુવતીઓ આ રવિવારે 110 કિ.મી.ની સાઇકલયાત્રા કરી અભિયાન આદરશે. સવારે 6-30 કલાકે માધાપર સરસ્વતી વિદ્યાલયથી પ્રસ્થાન કરાવાશે. દરમ્યાન મહોત્સવની પ્રથમ પત્રિકા ભુજ સ્વામિનારાયણ મંદિરને અર્પણ કરાઇ હતી. માધાપર, સૂરજપર, સુખપર, માનકૂવા, નારાણપર, બળદિયા, કેરા-કુન્દનપર ગામોમાં સાંધ્ય સભાઓ યોજાઇ હતી. કચ્છી લેવા પટેલ સમાજ આયોજિત યુવા સામાજિક ઐકયયાત્રા સંગઠન, સદાચાર, ગૌસેવા, શિક્ષણ, આરોગ્ય, રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપશે. ભુજ સમાજની સ્થાપના સમયે ઇ.સ. 1965માં અનેક પ્રતિકૂળ સ્થિતિમાં ઘરો ઘર સાઇકલથી જઇ સંગઠનની રચના કરનાર વડીલ ધનજીભાઇ ભંડેરી (વેકરા) ખુદ આ યાત્રાને શરૂ કરાવી અતીતને ઉજાગર કરશે. સમાજ પ્રમુખ હરિભાઇ હાલાઇ, એજ્યુ. મેડિ. ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાના નેજા હેઠળ સમાજની ત્રણેય પાંખોએ આ ઇનોવેટિવ આયોજન કર્યું છે.    6-30 માધાપરથી ભુજ મંદિરે દર્શન પછી 7-45 હરિપર, 9 સૂરજપર, 9-30 બળદિયા, 10 કેરા, 10-15 કુન્દનપર, 10-45 નારાણપર, 11 મેઘપર, 11-15 ગોડપર, દહિંસરા થઇ 12-15 સરલી, રામપર-વેકરા 1 કલાકનો વિરામ, 2-30 વાડાસર, 3-15 સામત્રા, 3-45 ફોટડી, કોડકી થઇ 5ાંચ વાગ્યે માનકૂવા, ભારાસર, 6 સુખપર, 6-20 મિરજાપરથી સાત વાગ્યે કન્યાવિદ્યા મંદિર સંસ્કારધામ ખાતે વિરામ લેશે. કુલ 110 કિ.મી.ની આ યાત્રામાં 100 વ્યક્તિ જોડાશે. ગરિમા રથ અને બાઇકર્સ પણ આગળ ચાલશે. આખો દિવસ ચોવીસીના ગામો ગામ ઘરો ઘર આમંત્રણ પત્રિકા વિતરિત કરાશે અને ગરિમા મહોત્સવનું જ્ઞાતિ તેડું વિશિષ્ટ રીતે અપાશે. ગામોગામ સ્વાગત સમિતિઓ બનાવાઇ છે. ગામની તમામ સંસ્થાઓ આવકારશે. અમુક ગામોના યુવાનો સામે જઇ બીજા ગામ સુધી જોડાશે, આમ આ આયોજનનો ચોવીસીમાં ઉમંગ છવાયો છે. સાઇકલ યાત્રા સંદર્ભે ટેલિફોનિક નોંધણી માટે દિનેશ પાંચાણી 99799 80109નો સંપર્ક કરી શકાશે. દરમ્યાન ઉત્સવના આમંત્રણ ગામો ગામ બેઠક યોજીને અપાઇ રહ્યા છે. ગુરુવારે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ સંતો, ટ્રસ્ટી મંડળ, નરનારાયણદેવને પત્રિકા આપવા સમાજની ત્રણેય પાંખોના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાના નેજા હેઠળ પહોંચ્યા હતા. સમાજના વિકાસ માટે તેમજ કચ્છની આરોગ્ય સુખાકારી માટે ઐતિહાસિક નિર્ણય ધરાવતા ઉત્સવ માટે મહંત સ્વામીએ સફળતાના આગોતરા આશીર્વાદ સર્વે સંતો વતી આપ્યા હતા. પૂર્વાધ્યક્ષ અરજણભાઇ પીંડોરિયાએ ઉત્સવની વિગતો આપી હતી. સાઇકલ યાત્રા વિરાંગના સ્મારકને પુષ્પથી વધાવશે. ગરિમા ઐકય રથ પર સમાજના ધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ યાત્રા દરમ્યાન ફરકશે. ગામે ગામ દુકાળના કપરા કાળમાં ગૌસેવાનો સંદેશ પણ અપાશે.
 
માનકૂવામાં સમાજ વસાહત
દાતાએ જમીન દાનમાં આપતાં જ્ઞતિના જરૂરતમંદ સભ્યો માટે કચ્છનો લેવા પટેલ સમાજ પ્રથમ વખત આવાસ યોજના શરૂ કરશે જેની જાહેરાત માનકૂવા ખાતે અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાએ કરતાં વિગતો આપતાં કહ્યું કે આ સમાજ જ્ઞાતિના નાનામાં નાના સભ્યને કેન્દ્રમાં રાખી કૃષિ, આરોગ્ય, બજાર, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પહેલ કરશે તે માટે દાતાઓ સહયોગી બની રહ્યા છે. માનકૂવા ખાતે પ્રથમ તબક્કે 100 આવાસ બનશે અને પડતર ભાવે જ્ઞાતિને અપાશે. જો ચોવીસીના બીજા ગામો પણ આવાસ બની શકે તેવું ભૂમિદાન કરશે તો તે ગામમાં પણ આવાસ યોજના માટે સમાજ મધ્યસ્થ બનશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer