ઠંડી સાથે જ ગાંધીધામમાં કચરિયાનું પણ આગમન...

ઠંડી સાથે જ ગાંધીધામમાં કચરિયાનું પણ આગમન...
 મુકેશ ગઢાઇ દ્વારા
ગાંધીધામ, તા. 6 : છેલ્લા બે વર્ષથી ગાંધીધામમાં રાજસ્થાનથી ઘાણીથી તલનાં તેલ તથા કચરિયું બનાવનારા શિયાળામાં આવે છે અને દોઢ-બે મહિનામાં કચરિયું તથા તલનું તેલ વેચે છે. ચાલુ વર્ષે પણ આ લોકોએ શહેરમાં બે જગ્યાએ ડેરા બાંધ્યા છે.રાજસ્થાનના ભીલવાડાના ગામ બાગોરથી ગાંધીધામના ટાગોર રોડ? ઉપર ઇફકો વસાહતથી આગળ આદિપુર જતા માર્ગ તથા સુંદરપુરી પાણીના ટાંકાથી ભારતનગર જતા રસ્તા ઉપર તેલની ઘાણી ગોઠવી, કાળા તથા ધોળા તલને પીસી તેમાંથી તેલ કાઢી વધેલા ભાગમાં ગોળ મેળવીને કચરિયું બનાવી વેચવામાં આવે છે.છેલ્લા બે વર્ષથી ઘાણીમાં બળદની મદદથી તલ પીસવામાં આવતા પણ ચાલુ વર્ષે આ રાજસ્થાનીઓ અલગ રીતે ઘાણી ચલાવે છે ! ઇશ્વરકુમારે જણાવ્યું હતું કે, રાજસ્થાનથી એક ઘાણી માટે બે બળદ તથા બે ઘાણી માટે ચાર બળદ લઇ આવતાં રસ્તામાં પૂછપરછ ઘણી થાય છે. વળી ધંધામાં મંદી હોય તો પણ બળદોને 400-400 રૂપિયાનો ચારો આપવો જ પડે !?એટલે ચાલુ વર્ષે તેમણે બાઇક-મોટરસાઇકલનો ઉપયોગ કરી ઘાણી ચલાવવાનું નક્કી કરી મશીનરી યુક્ત ઘાણી બનાવી છે !ચાલુ વર્ષે માત્ર ગાંધીધામ શહેરના બે વિસ્તારમાં ઘાણીથી તલ પીસી તેલનું તલ તથા કચરિયું બનાવવામાં આવે છે. અગાઉના બે વર્ષમાં ભુજ તથા અંજારમાં પણ ઘાણી રાખવામાં આવી હતી. દિવસો દિવસ મોંઘવારી વધતાં તથા તલની પડતર કિંમત વધી જતાં માત્ર બે રાજસ્થાનીઓએ કચ્છમાં આવવાની હિંમત કરી છે !તલનું શુદ્ધ તેલ, જે નજર સમક્ષ જ કાઢવામાં આવે છે તે સ્વાસ્થ્યપ્રેમીઓને અગાઉની જેમ હંમેશ આપે છે. સ્વાદ-ખાવા ઉપરાંત તે માલીશ?માટે પણ કામ આવે જ્યારે કચરિયું પૌષ્ટિક તથા ગરમી ઉત્પન્ન કરનાર છે. જેમાં ગોળ ઉમેરવામાં આવે છે. કાળા તથા સફેદ તલથી આ કચરિયું બને છે. ધોળા તલમાં બદામ-કાજુ, ખસખસ, મગજતરી વગેરે ઉમેરી અલગથી પણ બનાવી વેચવામાં આવે છે.ચાલુ વર્ષે તલનાં તેલ 450, ડ્રાયફ્રુટ કચરિયું 250, કાળા તલનું કચરિયું પણ 250 તથા સફેદ તલનું 200 રૂા. કિલો વેચવામાં આવે છે, જે ગયા વર્ષના પ્રમાણમાં મોંઘા છે. રાજસ્થાનથી આવેલા ઉદયરામે વિશેષમાં કહ્યું કે, હવે તેઓ ગોળ પણ રાજસ્થાનથી જખરની બસમાં મગાવે છે, જેનો ભાવ સ્થાનિક કરતાં અડધો છે ! અલબત્ત, હજુ ઠંડીનો જોઇએ તેટલો ચમકારો નથી અને ઠંડી વધશે તેમ કચરિયાના ધંધામાં ગરમી આવશે પણ હાલ માંડ બે હજાર રૂપિયા જેટલું વેચાણ થાય છે. સાંજે બળદને ખવડાવવાનો ખર્ચ જરા પણ નથી એ બચત છે તેવું આ ઘાણીધારીએ જણાવ્યું હતું. મકરસંક્રાત બાદ પોતાને વતન જતા આ રાજસ્થાનીઓ પોતાનો સામાન ધૂંસરી-કચરી ખાંડવા ખંડણી વગેરે 12 મહિનાના ભાડે પેટે ઓરડી લઇ?ત્યાં રાખીને વતન જાય છે એમ અંતમાં કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer