સીબીઆઇ વિ.સીબીઆઇ સરકારનો ઊધડો લેતી સુપ્રીમ

નવી દિલ્હી, તા. 8 :  સીબીઆઈના ડિરેકટર આલોક વર્મા પાસેથી સત્તા છીનવી લેવાના અને તેમને લાંબી રજા પર મોકલી દેવાના સરકારના નિર્ણયને પડકારતી વર્માની અને એનજીઓ કોમન કોઝની અરજીઓ પરનો પોતાનો ચુકાદો સર્વોચ્ચ અદાલતે આજે અનામત રાખ્યો હતે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે વર્મા, કેન્દ્ર, કેન્દ્રીય તકેદારી પંચ (સીવીસી) અને અન્ય પક્ષકારોની દલીલોની સુનાવણી સંપન્ન કરી છે. અભૂતપૂર્વ પરિસ્થિતિઓમાં અભૂતપૂર્વ ઈલાજો લેવા જરૂર પડે છે એવી દલીલ સીવીસી વતી ઉપસ્થિત સોલિસીટર જનરલ (એસજી) તુષાર મહેતાએ કરતાં  બેન્ચે એવું નિરીક્ષણ કર્યું હતું કે આ પરિસ્થિતિમાં પરિણમે તેવા સંજોગો તો જુલાઈથી શરૂ થઈ ચૂકયા હતા. સરકારના પગલાનું સારતત્ત્વ સંસ્થાના હિતમાં જ હોવું જોઈએ. એવું નથી કે વર્મા અને એજન્સીના ખાસ ડિરેકટર રાકેશ અસ્થાના વચ્ચેની તકરાર રાતોરાત ઉદ્ભવી હોય અને પસંદગી સમિતિ સાથે મસલત કર્યા વિના ડાયરેકટર પાસેથી સત્તા છીનવી લેવા સરકારને ફરજ પડી હોય. સરકારે ન્યાયી હોવું જોઈતું હતું એવી ટકોર સાથે બેન્ચે સવાલ કર્યો હતો કે વર્મા પાસેથી સત્તા છીનવી લેવા પહેલાં સમિતિ સાથે મસલત કરવામાં (સરકારને) શી તકલીફ હતી ? બેન્ચે સીવીસીનેય સવાલ કર્યો હતો કે રાતોરાત નથી બની ગયું તો પછી આવું પગલું લેવા તે શા કારણે પ્રેરાયું ? તેના જવાબમાં એસજી મહેતાએ જણાવ્યું હતું કે સીબીઆઈના ટોચના અફસરો મહત્ત્વના કેસો તપાસવાના બદલે એકમેક સામેના કેસો તપાસતા હતા. (સ્થિતિની) તપાસ કરવાનું સીવીસીના કાર્યક્ષેત્રમાં હતું. અન્યથા ફરજ ચૂકી હોવાથી  દોષિત ગણાત અને રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટને જવાબ આપવો પડત. વર્મા સામે તપાસ કરવાનું સરકારે ભળાવેલું, સીવીસીએ તપાસ શરૂ કરી, પરંતુ વર્માએ મહિનાઓ સુધી દસ્તાવેજો ન આપ્યા. રાકેશ અસ્થાનાના ધારાશાત્રી મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે મારા અસીલ તો કેસમાં વ્હિસલબ્લોઅર હતા, પરંતુ સરકારે તેમનેય એ જ રંગે રંગ્યા. વર્માના ધારાશાત્રી ફલી એસ. નરીમાને જણાવ્યું હતું કે કેન્દ્રના આદેશે તેમની સઘળી સત્તાઓ છીનવી લીધી. જનરલ કલોઝીસ એકટની સેકશન 16 સીબીઆઈ ડિરેકટરને કોણ દૂર કરી શકે તે બાબત સાથે કામ પાડે છે, અધિકારીની સત્તા છીનવી લેવા બાબતે નહીં.  સરકારે પોતાના કાર્યક્ષેત્રમાં રહી કામ કર્યું છે એવો બચાવ કરતા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે દલીલ કરી હતી કે વર્મા એજન્સીના ડિરેકટરપદે ચાલુ જ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer