ઇરાનને તેલનું ચૂકવણું રૂપિયામાં કરશે ભારત

નવી દિલ્હી, તા. 6 : ઓઈલની આયાત માટે ભારત અને ઈરાન વચ્ચે એક અત્યંત મહત્ત્વની સમજૂતિ થઈ છે. ઈરાનથી આયાત થતાં ક્રૂડ તેલનાં અવેજની ચૂકવણી હવે રૂપિયામાં કરવા માટેનાં કરાર ઉપર હસ્તાક્ષર થયા છે. આ કરારની જાણકારી ધરાવતાં અધિકૃત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઈરાન ઉપર અમેરિકાનાં નવા પ્રતિબંધો પાંચ નવેમ્બરથી લાગુ થયા બાદ ભારતે ઈસ્લામિક દેશ સાથે આ સમજૂતિ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારત સહિતનાં 7 અન્ય દેશોને ઈરાનથી ઓઈલની આયાત કરવાં છૂટ આપી છે અને ઈરાન સાથે ઓઈલનો વ્યવહાર કરવાં સબબ કોઈપણ પ્રકારની શીક્ષાત્મક કાર્યવાહી નહીં કરવાનું અભયવચન આપેલું છે. આ નવા ઘટનાક્રમો વિશે મળતી જાણકારી અનુસાર ભારતીય રિફાઈનરીઓ યુકો બેન્કમાં નેશનલ ઈરાનીયન ઓઈલ કંપની (એનઆઈઓસી)નાં ખાતામાં રૂપિયામાં ચૂકવણી કરશે. જેમાંથી અડધી રકમ ઈરાન ભારતીય સામાનની ખરીદીમાં ખર્ચ કરશે. અમેરિકાનાં પ્રતિબંધોને પગલે ભારત ઈરાનને અનાજ, દવા અને તબીબી ઉપકરણો નિકાસ કરી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે ભારત માટે ઈરાન ત્રીજો સૌથી મોટો ઓઈલ આપૂર્તિકાર દેશ છે. તેને યુરોપિયન બેન્કિંગ ચેનલનાં માધ્યમથી યુરોમાં નાણાં ચૂકવવામાં આવતાં હતાં. 180 દિવસની મળેલી છૂટમાં ભારત પ્રતિદિન મહત્તમ 3 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી શકે છે. જો કે આ વર્ષમાં ભારતે સરેરાશ પ.6 લાખ બેરલ પ્રતિદિન આયાત કરેલી છે. અત્રે એ પણ નોંધનીય છે કે ચીન પછી ભારત ઈરાનનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer