પંજાબમાં આતંકી મુસા; સેના હાઈએલર્ટ
ચંદીગઢ, તા. 6 : કાશ્મીરી આતંકવાદી જાકીર મુસા પંજાબમાં છૂપાયો હોવાની ગુપ્તચર બાતમી મળ્યાના પગલે સેનાને હાઈએલર્ટ કરી દેવાઈ છે. બઠિંડા અને ફિરોજપુર જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ પણ હાઈએલર્ટ પર છે. ગુપ્તચર અહેવાલો અનુસાર આતંકી મુસા શીખના વેશમાં પાઘડી પહેરીને છૂપાયો હોવાની આશંકા પ્રબળ છે. મુસા અંસાર ગજવત-ઉલ-હિન્દનો પ્રમુખ છે અને વૈશ્વિક આતંકવાદી સમૂહ સાથે જોડાયેલો હોવાનું મનાય છે. આ બાતમી મળ્યા બાદ સેનાના જવાનો, પંજાબ પોલીસ અને અન્ય અર્ધલશ્કરી દળોના જવાનોને રેલવે સ્ટેશન જેવા જાહેર તેમજ અન્ય મહત્ત્વના સ્થળો પર તૈનાત કરી દેવાયા છે. જનતાને જાગૃત અને સાવધાન કરવા માટે સુરક્ષા એજન્સીઓએ વિવિધ સ્થળો પર મુસાની તસવીર સાથેના પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટરોમાંથી કેટલાકમાં આતંકવાદીની તસવીર શીખના વેશમાં છે. કાશ્મીર ખીણમાં અલકાયદાની જ એક શાખા સમાન આતંકવાદી સંગઠન અંસાર ગજવતનો પ્રમુખ મુસા પંજાબના સ્થળો અને લોકોથી સારી રીતે વાકેફ છે.