પેપર લીક કાંડનો સૂત્રધાર મનાતો યશપાલ પકડાયો

અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : પોલીસની લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાની ચકચારી ઘટનામાં મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી (ઠાકોર)ની એટીએસની ટીમે મોડી રાતે મહીસાગરના વીરપુર ખાતે આવેલા લીંબિડયા રોડ પરથી ધરપકડ કરી છે. એટીએસની  ટીમે તેની કસ્ટડી ગાંધીનગર પોલીસને સોંપી છે ત્યારે હવે આ ચકચારી પ્રકરણમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. યશપાલે દિલ્હીના માસ્ટરમાઇન્ડ સાથે મળીને આ કાંડ આચર્યો છે તો બીજી તરફ યશપાલ બાદ તેનો મિત્ર અને ઉમેદવારોને દિલ્હી લઇ જનારા નીલેશની પણ શોધખોળ શરૂ કરી છે. બન્ને જણે ભેગા મળીને 20થી 30 ઉમેદવારોને દિલ્હી લઇ ગયા હતા. જ્યારે પોલીસે આ સમગ્ર કૌભાંડમાં ભાગીદાર એવા ઇન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાની પણ ધરપકડ કરી છે. પોલીસે યશપાલના મોબાઇલ નંબરને સર્વેલન્સ પર રાખીને ભાળ મેળવી હતી. ગઇકાલે મહીસાગરના વીરપુરથી યશપાલની ધરપકડ કરાઇ છે. ગાંધીનગર એસ.પી. મયૂર ચાવડાએ આજે પત્રકારો સમક્ષ યશપાલ સહિત તમામ આરોપીઓને રજૂ કરી સમગ્ર કૌભાંડમાં યશપાલ, ઇન્દ્રવદન અને નીલેશની મુખ્ય ભૂમિકા હોવાનું  જણાવ્યું હતું. એસ.પી. મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે, આ ત્રણેય ભેગા થઇને દિલ્હી ગેંગ સાથે મળીને વડોદરા ખાતે પેપેર લીક કરવાનું ષડયંત્ર રચ્યું હતું. નીલેશની સાથે હજુ બીજા આરોપીઓ આ કૌભાંડમાં છે, જેની તપાસ ચાલુ હોવાથી તેઓનાં નામ જાહેર કરી શકાય તેમ નથી. યશપાલની નાણાકીય સ્થિતિ સારી ન હોવાથી ઇન્દ્રવદન પરમારે પૈસા આપીને યશપાલને દિલ્હી મોકલ્યો હતો. આ સાથે 30 જેટલા પરીક્ષાર્થી યુવાનો રોડ માર્ગે ગુજરાતના જ જુદા જુદા વાહનોમાં દિલ્હી પહોંચ્યા હતા. જેનું એરેન્જમેન્ટ નીલેશે કર્યું હતું. આમાં રાજેન્દ્ર વાઘેલા પણ એક પરીક્ષાર્થી હતો. દિલ્હી પહોંચતાં જ આ યુવાનોને 5-5ના ગ્રુપમાં દિલ્હી ગેંગે અલગ કરીને દોઢથી બે કલાક સુધી દિલ્હીમાં અલગ અલગ રૂટ પર ફેરવ્યા હતા. આ ગેંગે પરીક્ષાર્થી યુવાનો પાસે કોઇ પણ પ્રકારનું સાહિત્ય કે મોબાઇલ ન હોવાની પૂરેપૂરી ખાતરી કરી હતી  તેમજ યુવાનોની ઓળખ થઇ શકે તે માટે માત્ર પરીક્ષાનું આઇડેન્ટી ફોર્મ સાથે રાખવામાં આવ્યું હતું. આ ગેંગે ગેરેજ, અવાવરુ ટેનામેન્ટ, ખુલ્લામાં પતરાવાળી જગ્યાએ અલગ અલગ પાંચના ગ્રુપવાળા પરીક્ષાર્થી યુવાનોને પેપર બતાવ્યું હતું અને ખાસ બાઉન્સર કહી શકાય તેવા હટ્ટાકટ્ટા લોકો તેમની ખાસ નજર રાખી રહ્યા હતા કે જેથી આ પરીક્ષાર્થીઓ કોઇ ઉત્તર લખી ન શકે. પરીક્ષાર્થી યુવાનોને પ્રશ્નપત્રના જવાબો યાદ રાખવા માટે જ કહેવામાં આવ્યું હતું. જો કે, પાંચના ગ્રુપમાં આવેલા યશપાલે વેફર્સના પેકેટમાં આન્સર સીટની કોપી કરીને એક કાગળ અંદર સંતાડીને  મૂકી દીધો હતો. જેથી યશપાલ આ પેપરની આન્સર સીટને વેફર્સના પેકેટમાં છુપાવીને ગુજરાત સુધી લાવી શકવામાં સફળ થયો હતો અને તેણે આ આન્સર સીટ ઇન્દ્રવદન અને નીલેશને આપી હતી.  ઇન્દ્રવદનના સગાઓ આ પરીક્ષામાં બેસનારા હોવાથી તેણે વડોદરા આવીને તેના સગાઓને ડિસ્ટ્રીબ્યુટ કર્યું હતું. આ સાથે અગાઉ ઝડપાયેલા મનહર અને અન્ય લોકેએ પણ આ પેપરને લીક કર્યું હતું એસ.પી. મયૂર ચાવડાએ વધુમાં કહ્યું કે, પેપર લીક કર્યા બાદ યશપાલ દિલ્હીથી આન્સર કી લઇ વિમાનમાં વડોદરા ગયો હતો અને વડોદરાથી તે બાય રોડ સુરત ગયો હતો. યશપાલ પણ સુરત ખાતે પરીક્ષા આપતો હોવાથી તેને પેપર રદ થયાની જાણ થતાં તે પોતે હવે સકંજામાં આવી જશે તેવું વિચારીને સુરતથી વડોદરા ઇન્દ્રવદનને મળવા પહોંચ્યો હતો ઇન્દ્રવદને તેને 20,000 રૂપિયા આપ્યા હતા અને બે દિવસ માટે ક્યાંય બહાર નહીં આવવાનું કહી જતા રહેવા કહ્યું હતું અને મામલો ઠંડો થતાં બાકીના પૈસા આપવાનું પણ કહ્યું હતું. પરંતુ પેપર લીક થઇ જતાં તેને ધરપકડનો અંદાજ આવી ગયો હતો, આથી તેણે પોતાનો મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો.  બીજી તરફ પોલીસે આરોપી મનહર પટેલની પૂછપરછમાં યશપાલનો બીજો નંબર મેળવી લીધો હતો. જૂનો નંબર બંધ થઇ જતાં પોલીસે યશપાલનો નવો નંબર સર્વેલન્સ પર રાખ્યો હતો.  આ કૌભાંડમાં જે પોલીસ પકડથી દૂર છે  અને નાસતો ફરતો છે તેવો નીલેશ  અમરવલ્લીમાં એક ફાર્માસ્યુટિકલમાં એમ.આર.નું કામ કરતો હતો.  આજે ધરપકડ કરાયેલન રાજેન્દ્ર વાઘેલા નીલેશના કોન્ટેક્ટવાળો છે અને તે આ પરીક્ષા આપવાનો હતો, જેથી અલગ વાહનમાં દિલ્હી પહોંચેલા પરીક્ષાર્થીઓમાં તે ભળી ગયો હતો. તેનું પરીક્ષા કેન્દ્ર સિદ્ધપુર-પાટણ હતું. આમ આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.  તેમણે કહ્યું કે, આ કૌભાંડમાં 50 કે તેથી વધુ લોકો સંડોવાયેલા જણાયા છે. જેમાંના 30 તો દિલ્હી પેપર જોવા માટે ગયા હતા. બાકીનાને અન્ય લોકોએ આન્સર કી આપી હતી. આમાંથી કેટલાકની ધરપકડ થઇ છે અને નથી થઇ તેવાઓની ભવિષ્યમાં કરવામાં આવશે. દિલ્હીના કેટલાક નામો આઇડેન્ટીફાય કરાયા છે એટીએસની ટીમે દિલ્હી, ગુડગાંવ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં તપાસાર્થે ધામા નાખ્યા છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ પકડાશે. દિલ્હીના સ્કોર્પિયો, ઇનોવા જેવાં વાહનો પણ ઓળખાઇ ગયાં છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર લેવા આવનારા અને મૂકવા આવનારા વાહનોની પણ ઓળખ થઇ ગઇ છે. તેમણે એમ પણ કહ્યું કે, અમારી પ્રાથમિકતા દિલ્હી ગેંગનો પર્દાફાશ કરવાની છે. જો કે, પ્રિન્ટિંગ પ્રેસની આખી ચેનલની પણ તપાસ કરવામાં આવશે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer