નખત્રાણાની બલૂન ફાટવાની ઘટનામાં દાઝેલા બન્ને જણનાં મૃત્યુ

ભુજ, તા. 6 : નખત્રાણા ખાતે નિષ્કલંકી ધામ સંકુલમાં બલૂન ફાટતાં દાઝી જવાની ઘટનામાં બન્ને ભોગ બનનારના સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મૃત્યુ થતાં ભારે અરેરાટી વ્યાપી છે. ગત મંગળવારે આ કરુણ ઘટના બની હતી. દશાબ્દી મહોત્સવ અનુસંધાને વિશાળ બલૂન આકાશમાં મુકાયું હતું. આ બલૂનમાં ધડાકા સાથે આગ લાગતાં સંકુલમાં સફાઇનું કામ કરી રહેલા સેવાભાવી સુભાષભાઇ ભરતભાઇ રાઠવા (પટેલ) અને મહેશભાઇ કાનજી પોકાર ઉપર આ બલૂન ધડાકા સાથે સળગતી હાલતમાં પડતાં આ બન્ને જણ ગંભીર રીતે દાઝી ગયા હતા.આ બન્નેને ભુજ ખાતે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં આજે તેમના બન્નેના જીવનદીપ બુઝાયા હતા. આ સમાચાર મળતાં પ્રેરણાપીઠ અમદાવાદ પરિવાર, કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ, ગુરુકુળ પીરાણા પરિવાર અને નિષ્કલંકી ધામ નખત્રાણાએ દુ:ખની લાગણી વ્યકત કરી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer