અછતગ્રસ્ત કચ્છના ખેડૂતોનો પાક વીમો, વ્યાજ માફી, પાણી પ્રશ્નો ઉકેલવા માંગ

ભુજ, તા. 6 : કચ્છ અછતની પરિસ્થિતિ દરમ્યાન ખેડૂતોને લાંબા સમયથી કનડતા પ્રશ્નોના ઉકેલ માટે ભારતીય કિસાન સંઘે રજૂઆત કરીને તેમાં નર્મદાના વધારાના પાણી, પાક વીમો, ધિરાણની વ્યાજ માફી ઉપરાંત વીજબિલ માફીની રજૂઆત કરી હતી. ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ કિશોરભાઈ વાસાણી, મંત્રી રામજીભાઈ આહીર સહિતના પ્રતિનિધિ મંડળે કલેકટરને આવેદનપત્ર આપીને તેમાં રજૂઆત કરી હતી કે વર્ષો પહેલાં સરકારે જાહેર કર્યું છે કે કચ્છ બ્રાન્ચ દ્વાર જથ્થો તેમજ 1 બિલિયન એકર ફીટ વધારાનું પાણી આપવાના વચનનો અમલ થયો નથી. તો સરકારે પાક વીમાનો સર્વે કર્યો છે, પરંતુ વળતર હજુ પણ મળ્યું નથી, આ ઉપરાંત અગાઉ એવી જાહેરાત કરાઈ છે કે, ખેડૂતોને 0 ટકા વ્યાજથી પાક ધિરાણ અપાશે. પણ હજુ માફી અપાઈ નથી તેની અમલવારી ક્યારે કરાશે? વિશેષમાં કહ્યું હતું કે, હાલમાં જે અછતની સ્થિતિ છે તેમાં ખેડૂતોને રાહત માટે અગાઉની જેમ વીજબિલમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવે. આ પ્રતિનિધિ મંડળના વિભાગ સંયોજક ડાહ્યાભાઈ રૂડાણી, વિરમ સાખરા, કોષાધ્યક્ષ લક્ષ્મણભાઈ  પટેલ  જોડાયા  હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer