ગાંધીધામના ટાગોર રોડની ખૂટતી વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત

ગાંધીધામ, તા. 6 : આ સંકુલના સેતુ સમાન એવા ટાગોર માર્ગ ઉપર અનેક ખામીઓ સર્જાઇ છે. તેનું રિસરફેશિંગ, સિગ્નલ, ડીવાઇડર, સફાઇ, બોર્ડ, લાઇટ સહિતના મુદે્ મુખ્યમંત્રીને પત્ર પાઠવી આ અંગે ઘટતું કરવા માંગ કરવામાં આવી  હતી. સંકુલના મુખ્ય એવા ટાગોર રોડ પરની બંધ લાઇટ ચાલુ કરવા અને તમામ લાઇટ એક જ પ્રકારની લગાવવા માંગ કરાઇ હતી. રોટરી સર્કલથી આદિપુર સુધી ડીવાઇડરો વચ્ચે આવતા કટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે, આ માર્ગની કાયમી સફાઇ કરવામાં આવે, તેમાંય આદિપુરનાં કેસરનગર બસ સ્ટેન્ડ પાસે કયારેય સફાઇ થતી નથી તે પણ કરાવાય તેવું લક્ષ્મણ સેવાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું હતું. આ માર્ગના તમામ સિગ્નલ ચાલુ કરવા, રોડનું રિસરફેશિંગ કરવા, ડીવાઇડર રિપેરિંગ કરવા, તેમાં ઝાડ લગાવવા, ફેન્સિંગ, માર્ગ ઉપર રેડીયમપટ્ટી લગાવવા, ક્રોસિંગ પટ્ટાની નિશાની લગાવવા, વાહનોની ગતિ નક્કી કરવા, આ માર્ગ ઉપર અકસ્માતે મોતને ભેટતા પશુઓનો તાત્કાલિક નિકાલ કરવા, માર્ગ પરના સર્કલોમાં સી.સી. ટી.વી. કેમેરા લગાવવા, માર્ગની બન્ને બાજુએ લગાવાયેલ બોર્ડ હટાવવા તથા સર્વિસ રોડની આસપાસ ઊગી નીકળેલ બાવળ કાપવા અને આ સર્વિસ રોડ ઉપર વધારાના જમ્પ કાઢી નાખવા આ પત્રમાં માંગ કરવામાં આવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer