લોરિયા-સુમરાસર વચ્ચે મારામારીમાં ખૂનના પ્રયાસ સાથે લૂંટનો ગુનો દાખલ

ભુજ, તા. 6 : તાલુકામાં લોરિયા અને સુમરાસર ગામ વચ્ચે અગાઉના ઝઘડા અને બોલાચાલી બાબતે ટોળા દ્વારા બનેલી હુમલાની ઘટનામાં પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમો સહિત ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ ગતરાત્રે આઠેક વાગ્યાના સુમારે બનેલા આ બનાવમાં સુમરાસર ગામના સુનીલ રાણાભાઇ ચાડ (ઉ.વ. 20), ત્રિકમ રામજી ચાડ (ઉ.વ.38) અને વૈષ્ણવ ભારમલ ચાડ (ઉ.વ.22) જખ્મી થતાં તેમને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ વિશેની ફરિયાદમાં લખાવાયા મુજબ ગત નવરાત્રિ સમયે લોરિયા ગામના પ્રવીણસિંહ સવાઇસિંહ સોઢા સાથે થયેલી બોલાચાલી અને ઝઘડા વિશેની અદાવતમાં હુમલાની આ ઘટના બની હતી. આ બાબતે પ્રવીણાસિંહ ઉપરાંત સવાઇસિંહ સોસાજી સોઢા, સતાજી સોમાજી સોઢા, પીરદાન ચમાજી સોઢા, નૂરમામદ સુમરા, કાળુભા હકુભા જાડેજા અને તેમની સાથેના પાંચથી છ અજ્ઞાત શખ્સોએ આ હુમલા સાથે ભોગ બનનારાઓ પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમની લૂંટ પણ  કરી હતી.  ભોગ બનનારાની કારને અટકાવી આ બનાવને અંજામ અપાયો હોવાનું ફરિયાદમાં લખાવાયું હતું. બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer