ભચાઉના મકાનમાંથી શરાબ તેમજ ચોરાઉ તેલનો જથ્થો પોલીસે પકડયો
ગાંધીધામ, તા. 6 : ભચાઉમાં હિંમતપુરા વિસ્તારમાં એક મકાનમાં છાપો મારી એસ.ઓ.જી.એ રૂા. 21000નો શરાબ તથા રૂા. 46,500ના સોયાબીન તેલ ભરેલા ડબ્બા નંગ-31 જપ્ત કર્યા હતા. તો અગાઉની બાઇકચોરીના એક આરોપીની પણ અટક કરવામાં આવી હતી. ભચાઉનાં હિંમતપુરા વિસ્તારમાં રહેતા કાસમ રાજા ત્રાયાના મકાનમાં પૂર્વ બાતમીના આધારે પોલીસે આજે છાપો માર્યો હતો. પોલીસને જોઇને આ ઇસમ પોલીસના હાથમાંથી સાબુના ગોટાની જેમ સરકી ગયો હતો. આ ઇસમનાં મકાનમાંથી પાર્ટી સ્પેશિયલ ડીલક્ષ બ્રાન્ડની 60 બોટલ કિંમત રૂા. 21,000નો શરાબ હસ્તગત કરાયો હતો. તો તેના જ મકાનમાં અન્ય રૂમની પોલીસે તલાશી લેતાં 15 કિલોના ક્ષમતાવાળા પતરાના ડબ્બા નજરે ચડયા હતા. સોયાબિન તેલ ભરેલા આ સિલબંધ 31 ડબ્બા કિંમત રૂા. 46,500 જપ્ત કરાયા હતા. તેલના આ ડબ્બા ચોરી કે છળકપટથી મેળવાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમજ વર્ષ 2016માં ગાંધીધામની મધુબન ટોકિઝ પાસેથી બાઇકની ચોરી કરનાર તથા ત્યારથી નાસતા ફરતા હિતેન્દ્ર ઉર્ફે ગુડુ મદનલાલ જાદવની એસ.ઓ.જી.એ ભારત- નગર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. વધુ તપાસ અર્થે આ શખ્સને બી-ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો.