જમીનોના ધંધામાં મંદીના કારણે નખત્રાણામાં સબ રજિસ્ટ્રાર કચેરી અઠવાડિયે ત્રણ દિનની

નખત્રાણા, તા. 6 : નોટબંધી, જીએસટીના કારણે મંદીનો માહોલ છે ત્યારે પશ્ચિમ કચ્છમાં જમીન લે-વેચના ધંધામાં ભારે ઓટ તેમજ મંદી આવતાં અહીં સબ રજિસ્ટ્રાર કચેરી જે અગાઉ નિયમિત હતી તે હવે અઠવાડિયા માટે ત્રણ દિવસ જ  સરકારી પરિપત્ર મુજબ સોમ, બુધ, શુક્રવારે દસ્તાવેજ કરવા કાર્યરત રહે છે. અગાઉ જમીન, મકાન, લે-વેચનો ધંધો તેજીમાં હતો ત્યારે દસ્તાવેજ માટે લાઈનો લાગતી હવે માત્ર અઠવાડિયામાં ત્રણ-દિવસ જ કચેરી કાર્યરત રહે છે.  અગાઉ એક મહિનામાં  ચારસોથી  પાંચસો જેટલા દસ્તાવેજ રજિસ્ટર્ડ થતા હવે મહિનામાં  માત્ર સો-એક જેટલા દસ્તાવેજ રજિસ્ટર્ડ થાય છે તો તેવી હાલત નલિયા સબ રજિસ્ટ્રાર કચેરીની છે. અગાઉ રાતો રાત જમીનના ધંધામાં તેજી હતી. એસ્ટેટ બ્રોકરની સંખ્યા ત્યારે દિવસે ન વધે એટલી રાતે વધતી અને ફુલ ફર્નિસ્ડ ઓફિસો ખુલી જતી ! તેવું સંબંધિતો કહે છે. નોટબંધી જીએસટીના કારણે આ ધંધો-મંદીનો સામનો કરી રહ્યો છે ત્યાં અનેક લોકોના નાણા જમીન-મકાનમાં ફસાઈ જતાં તેમજ વ્યાજ ખાધ વધી જતાં માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. નખત્રાણામાં તેજીમાં જમીન મકાન-બાંધકામનો ધંધો પૂરબહારમાં ખીલ્યો હતો. હાલ અહીંના જુદા જુદા સોસાયટી વિસ્તારમાં એકાદ હજારથી વધુ તૈયાર મકાનો ઊભા છે  તે વેચાતા નથી અને ધંધાર્થીઓની મૂડી- નાણા રોકાઈ ગયા છે. જેના કારણે દસ્તાવેજ લખનાર પિટિશન રાઈટર, સ્ટેમ્પ વેન્ડરના ધંધાને ખૂબ જ માઠી અસર થઈ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer