ગાંધીધામનો ફ્રી હોલ્ડને લગતો પ્રશ્ન ગુજરાત કેન્દ્ર સરકાર સાથે ચર્ચશે

ગાંધીધામ, તા. 5 : જમીનોના પ્રશ્ને 7મીએ ગાંધીધામ સંકુલમાં યોજાનારી જનઆક્રોશ રેલી સંદર્ભે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીધામ સંકુલના જુદા જુદા સમાજ, સંગઠનો, સંસ્થાઓ જે સંદર્ભે રજૂઆત કરી રહ્યા છે તે સંદર્ભે સાંસદે સંકુલના હિતને લક્ષમાં રાખી ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરી છે. યાદીમાં જણાવ્યા મુજબ બંને સરકારોમાંથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. ક્યારેક સંજોગોવસાત્ કે પૂર્વ  નિર્ધારિત કાર્યક્રમવશાત બેઠકોમાં ગેરહાજરી હશે, પરંતુ જ્યારે જ્યારે મિટિંગો વખતે હાજર રહીને કે પત્ર દ્વારા મળેલાં સૂચનોને ધ્યાને લઇને શિપિંગ મંત્રી નીતિન ગડકરી, રાજ્યમંત્રી મનસુખ માંડવિયા, શિપિંગ સચિવ ગોપાલકૃષ્ણ, ડીપીટીના અધિકારીઓ પાસે રજૂઆત કરી છે. લીઝ હોલ્ડ જમીન ફ્રી હોલ્ડમાં તબદિલ થવા, એન.ઓ.સી. પ્રક્રિયા, ખુલ્લા પડેલા પ્લોટોમાં બાંધકામની મુદ્દત, પેનલ્ટી, મોરગેઝ ફી, કોમર્શિયલ સ્થાનોનું ફ્રી હોલ્ડ કરવું, એસ.આર.સી. સબ લીઝ તબદિલીની પડતર અરજીઓ વગેરે પ્રશ્નોમાં ઝડપ લાવવા સાંસદે સમયે સમયે રજૂઆત કરી છે. ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ સ્થાનિક ધારાસભ્ય, કચ્છના અગ્રણીઓએ રૂબરૂ મળીને ગાંધીધામમાં સિટી સર્વે કચેરી ખોલવા તથા ફ્રી હોલ્ડ જમીનો સંદર્ભે કેન્દ્ર સરકાર સાથે પ્રશ્નો ચર્ચવાની રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી તેમજ સિટી સર્વે કચેરી નજીકના જ ભવિષ્યમાં ચાલુ થાય તેવી સૂચના આપી હતી.  ગાંધીધામ ચેમ્બર, વિવિધ સમાજ-સંગઠનો દ્વારા ચલાવાતી લડત બાબતે હું સંવેદના ધરાવું છું. રજૂઆતનો હક્ક અબાધિત છે. લોકપ્રતિનિધિ તરીકે પ્રશ્નોની રજૂઆત કરી નિવેડો લાવવા હું કટિબદ્ધ છું તેવું સાંસદે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer