મુંદરામાં 100 કરોડના બોગસ બિલિંગ

રાજકોટ, તા. 20 : તાજેતરમાં ગોંડલ ખાતેથી મળી આવેલા બોગસ બિલિંગ કૌભાંડનું પગેરું દાબીને જીએસટી દ્વારા તપાસ આગળ વધારાતાં મુંદરામાં ઐયર એન્ટરપ્રાઈઝ નામની એક જ પેઢીના રજિસ્ટ્રેશનના આધારે આશરે 100 કરોડથી વધુના ઈ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. દરમ્યાન સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સ્ટેટ જીએસટી દ્વારા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પાંચ અને મુંદરાની બે પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કંડલા સેઝમાં આવેલી અશોક એન્ડ કંપની, ગંગા ઇમ્પેક્સ એન્ટરપ્રાઇઝ, જીપીએમએલ એક્સપોર્ટસ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને પાલ્મોન એક્સપોર્ટસ તથા મુંદરાની ઐયર એન્ટરપ્રાઇઝ અને અંબિકા એન્ટરપ્રાઇઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટીની ટીમ દ્વારા ગોંડલમાં ગ્રીન સિટી બ્લોક નં.3 ગુંદાલા રોડ ખાતેથી સંખ્યાબંધ પેઢીઓનું હિસાબી સાહિત્ય જપ્ત કરાયું હતું. જેના અનુસંધાને આગળની તપાસ કરાતાં તા. 17 નવેમ્બરના રોજ ગોંડલ, રાજકોટ, મોરબી, ગાંધીધામ, મુંદરા, વગેરેમાં સંખ્યાબંધ સ્થળે તપાસની કાર્યવાહી કરાઈ હતી. જેમાં 49 વેટ ટીન અથવા જીએસટી મુજબના સ્થળ તથા ચાર ટ્રાન્સ્પોર્ટરનો સમાવેશ થાય છે. તપાસમાં ધ્યાને આવ્યું હતું કે અજયરાજ એન્ડ કંપની, ધરમરાજ એક્સપોર્ટ, આર એલ એન્ટરપ્રાઈઝ, યોગીરાજ એક્સપોર્ટ પ્રા.લિ., યોગીરાજ જીનિંગ એન્ડ સ્પીનિંગ પ્રા.લિ., યોગીરાજ હાઈટેક પાર્ક પ્રા.લિ., યોગીરાજ મિલ્સ પ્રા.લિ., યોગીરાજ સ્પીનિંગ પ્રા.લિ. મળી કુલ 8 પેઢીઓના રજિસ્ટ્રેશન એક જ સ્થળ એટલે કે 14 ન્યૂ એપીએમસી, ગોંડલ ખાતેથી જ કરાયા હતા. તપાસમાં એમ પણ ધ્યાને આવ્યું હતું કે મે. ઐયર એન્ટરપ્રાઈઝ નામની પેઢીના રજિસ્ટ્રેશનના આધારે અંદાજે રૂા. 100 કરોડ ઉપરાંતની રકમના ઈ વે બિલ જનરેટ કરવામાં આવેલા છે. આ ટીન નંબર મુંદરા ખાતેના રહેણાકના સ્થળેથી મેળવવામાં આવેલા હતા. આ સ્થળે તપાસ દરમિયાન રજિસ્ટ્રેશનમાં દર્શાવ્યા મુજબના માલિક ચુડામણી ઐયર મળી આવ્યા ન હતા. જેથી આ સ્થળને જીએસટીના અધિકારીઓએ સીલ કર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer