તુલસી વિવાહના મંગળ ગીતોથી નારાયણસરોવર મંગલમય

તુલસી વિવાહના મંગળ ગીતોથી નારાયણસરોવર મંગલમય
નારાયણસરોવર (તા. લખપત), તા. 20 : પૌરાણિક પરંપરા અનુસાર દેવદિવાળીના તુલસી વિવાહનું આયોજન તીર્થધામ મધ્યે ભગવાન ત્રિવિક્રમરાયજીના સાંનિધ્યમાં થાય છે. આ તુલસી વિવાહ દરમ્યાન લગ્નગીત, વરઘોડો, મંગળફેરા અને આરતી સહિતના કાર્યક્રમોથી વાતાવરણ મંગલમય બન્યું હતું. મુખ્ય યજમાન પદે ઉર્મિલાબેન જનકભાઇ પરમાર (માંડવી) તેમજ સહયજમાન પદે વર્ષાબેન મુકેશભાઇ જોષી (મા.મઢ) તથા અંબા મંડળ માધાપર-જૂનાવાસની બહેનો રહ્યા હતા. આ પ્રસંગે વરઘોડો મુખ્ય મંદિરથી મુખ્ય બજાર થઇ મુખ્ય પ્રવેશદ્વારથી લગ્ન મંડપ સુધી પહોંચ્યો હતો, જેમાં યજમાન પરિવાર તેમજ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા. પ.પૂ. બ્રહ્મલીન ના.સ. જાગીરના ગાદીપતિ અધ્યક્ષ આનંદલાલજી મહારાજ ગુરુ મધુસૂદન લાલજી મહારાજના સમયે જે પરંપરા અને પ્રણાલિકાઓ મુજબ લગ્નવિધિ કરાતી તે મુજબ તુલસી વિવાહનું આયોજન થયું હતું. લગ્નની વિધિ દર વર્ષની જેમ આચાર્ય પદે પંડિત વિઠ્ઠલદાસ ચાગપાર તેમજ પ્રદીપભાઇ ત્રિવેદી, કનૈયા મારાજ, રોહનભાઇ ત્રિવેદી અને અજિત શાત્રીએ મંત્રોચ્ચારથી કરતાં મંદિર પરિસરમાં હર્ષોલ્લાસ છવાયો હતો. આ પ્રસંગે મંદિરના મુખિયાજી વસંત જમનાદાસ જોષી, પૂજારી દિનેશ જમનાદાસ જોષી, મુકેશ જોષી, ભાવેશ જોષી, સંજય જોષી, ચંદ્રકાન્ત જોષી, હરેશ મણિલાલ વાળંદ, રામા સાંગણ રબારી વિ.એ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે કારભારી સોનલ ડી. પણિયાએ ના.સરોવર જાગીર શાખા અને પૂજારી, સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer