કચ્છમાં અંજાર રૂડા શહેર છે...હો...જી...રે... પ્રવાસીઓ ઊમટયા

કચ્છમાં અંજાર રૂડા શહેર છે...હો...જી...રે... પ્રવાસીઓ ઊમટયા
રશ્મિન પંડયા દ્વારા
અંજાર, તા. 20 : પૂર્વ કચ્છનું વડું મથક અને કચ્છનું ઐતિહાસિક શહેર દેશ-દુનિયામાં ધાર્મિક સ્થળો તેમજ હેન્ડીક્રાફ્ટ, સૂડી-ચપ્પુથી જગવિખ્યાત છે ત્યારે  કચ્છમાં હાલે વેકેશન અને તહેવારોની સિઝનથી પ્રવાસીઓની ભારે મોટી સંખ્યામાં આવ-જાવથી ધાર્મિક સ્થળો, સ્થાનિક બજારોમાં ભારે ગિર્દી જોવા મળી રહી છે. કચ્છના શહેરમાં જેસલ-તોરલની સમાધિ, ગોવર્ધન પર્વત, મહેશ્વરી સંપ્રદાયના મામૈદેવ બગથડા યાત્રાધામ તેમજ ખત્રી ચોકમાં ગોઝારા ભૂકંપમાં શહીદ થયેલા શહેરનાં બાળકોના  ઘટના સ્થળની મુલાકાત દરેક પ્રવાસીઓ અચૂક લેતા હોય છે.આ વર્ષે પણ દિવાળી વેકેશનના સમયમાં હજારોની સંખ્યામાં પર્યટકો, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓએ આ ઐતિહાસિક શહેરમાં આવેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં  આ શહેરના સુપ્રસિદ્ધ વિખ્યાત ટેક્સટાઇલ્સ, હેન્ડીક્રાફટ બજાર, સૂડી-ચપ્પુ, મંજીરા, બજારની મુલાકાત દરેક પર્યટકો અવશ્ય લેતા હોય છે. કચ્છના સફેદ રણ કે અન્ય પ્રવાસના સ્થળે આવતા પ્રવાસીઓ અચૂકપણે ખરીદીની પસંદગીનો આ શહેરમાંથી હેન્ડીક્રાફ્ટ, ખત્રી બજાર, સૂડી ચપ્પુ, માલા શેરીની સાડીઓના સરોવરમાંથી ખરીદીનો આગ્રહ રાખે છે. જેના કારણે આ સમયમાં પ્રવાસીઓની અવર-જવરથી બજારોમાં નવા ગ્રાહકો જોવા મળે છે. પ્રવાસીઓ પણ અંજારની ખરીદીથી ખૂબ જ ખુશી મહેસૂસ કરતા હોવાનું પ્રવાસીઓએ મુલાકાતમાં જણાવ્યું હતું. પ્રવાસીઓ કચ્છી પ્રિન્ટ, અજરખ, બાટિક, બાંધણી, હાથભરત, ડ્રેસ ડિઝાઇન વિગેરે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ માટે નગરની ખત્રી બજારમાં આવેલી નાની-મોટી દુકાનો, શોરૂમ, હોલસેલ માર્કેટમાં લેટેસ્ટ વેરાયટી, અવનવી ડિઝાઇનો મેળવે છે. અંજારની બજારની વિશેષતા એ છે કે, ઓછા નફે વધુ વેપાર, વધુ ટર્નઓવરની પદ્ધતિથી વેપારીઓ-ગ્રાહકોને પણ ખૂબ જ ફાયદો થતો હોવાનું જોવા મળે છે. જેના કારણે ખરીદી પણ ખૂબ જ થતી હોય છે, તેવું વેપારીઓએ જણાવ્યું હતું. શહેરમાં કચ્છી હેન્ડ બ્લોક પ્રિન્ટનું વર્ષો જૂનું અને જાણીતું મથક છે. 150 વર્ષથી આ વેપારમાં સંકળાયેલા કુટુંબના સભ્યો અને અગ્રણી વેપારી અનેક એવોર્ડના વિજેતા ખત્રી ઇસ્માઇલ હાજી અ. લતીફ કે જેઓ કચ્છી પ્રિન્ટની નવી પ્રિન્ટ માટે પાયોનિયર છે. આ અંજાર શહેરમાં સૌપ્રથમ એમની દુકાન હતી. ત્યારબાદ અત્યારે આ શહેરમાં ખત્રી ચોકમાં 50થી વધુ દુકાનો ધમધમી રહી છે. જેમાં સેંકડો કારીગરો રોજગારી મેળવે છે. તેવી જ રીતે આ શહેરના સૂડી-ચપ્પુ, તલવાર, મંજીરા પણ સમગ્ર દેશ-વિદેશમાં વિખ્યાત છે. પ્રવાસીઓ આ તમામ વસ્તુઓ પણ હોંશથી ખરીદે છે. શહેરમાં બનતા પકવાનો, ગુબિત, ગુલાબપાક, સિઝનના વસાણાની પણ ખૂબ જ માંગ હોય છે. હાલમાં નોટબંધી, જીએસટીના ગ્રહણને કારણે  બજારોમાં મંદી, સુસ્તીના વાતાવરણમાં પ્રવાસીઓના આગમનથી શહેરમાં ધંધા-રોજગારમાં તેજી જોવા મળતાં નવા વર્ષના પ્રારંભે વેપારીઓના ચહેરા પર પણ અનેરી ચમક જોવા મળે છે. સાથે શહેરના રેસ્ટોરેન્ટ, હોટલ, નાસ્તાની લારીઓ, રિક્ષાચાલકોને પણ ધંધામાં ખૂબ જ ફાયદો થયો છે. શહેરમાં વહીવટીતંત્ર સુધરાઇની  નિષ્ફળ કામગીરીથી આ શહેરની મુલાકાતે આવતા લોકો ખૂબ જ નારાજ થાય છે. શહેરના ધાર્મિક સ્થળો પર કચરાના ઢગલાઓ, સફાઇ થતી નથી. પીવાનાં પાણીની વ્યવસ્થા પણ? હોતી નથી. વર્ષે લાખો કરોડોની આવક થવા છતાં વહીવટી તંત્ર જાગીર દ્વારા પ્રવાસીઓ માટે કોઇ સુવિધા કરતું નથી. શહેરમાં આવેલો મેકમર્ડો બંગલોનો જો વિકાસ કરાય તો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે, પણ આ વિકાસની પહેલ કોણ કરે તે યક્ષ સવાલ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer