પોલીસનો ઢગલાબંધ પુરાવાઓ સાથે હાઇકોર્ટ સમક્ષ જવાબ... લાપતા મજીદ અમારી પાસે નથી

ભુજ, તા. 20 : છેલ્લા ત્રણેક મહિનાથી રહસ્યમય સંજોગો વચ્ચે લાપતા બનેલા અને જેના મામલે ભુજથી અમદાવાદ થઇને દિલ્હી સુધી દેખાવો અને પ્રદર્શન યોજાઇ ચૂકયા છે તેવા અત્રેના મજીદ આમદ થેબા નામના યુવાનના કેસમાં રાજ્યની વડી અદાલતમાં ચાલી રહેલા કાયદાકીય જંગ દરમ્યાન આજે પશ્ચિમ કચ્છ પોલીસે પોતાના જવાબમાં વિવિધ ઢગલાબંધ પુરાવાઓ પેશ કરીને ગુમ થનારો મજીદ પોતાની પાસે ન હોવાનો જવાબ રજૂ કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા આ કેસની આગામી સુનાવણી તા. 26મી ઉપર મુકરર કરાઇ છે.  ભુજના સંજોનગરમાં રહેતો મજીદ થેબા ત્રણેક મહિનાથી ગુમ થયા બાદ તેની પત્ની આશિયાનાને સાથે રાખીને વિવિધ સંસ્થાઓ દ્વારા આ મામલે મજીદ ખોજ સમિતિના નેજા હેઠળ લડત આરંભાઇ છે. જેમાં ભુજ, અમદાવાદ અને છેક દિલ્હી સુધી પ્રદર્શન અને દેખાવો સહિતના વિરોધાત્મક અને રજૂઆત્મક કાર્યક્રમો યોજાઇ ચૂકયા છે. તો ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરાતાં છેલ્લા કેટલાક સમયથી કાયદાકીય જંગ પણ ચાલી રહ્યો છે.  લાપતા થયેલો મજીદ કયાં છે ? અને તે જીવિત છે કે કેમ ? તેના સહિતની વિગતો હાઇકોર્ટ દ્વારા પોલીસ પાસેથી કેસની સુનાવણી દરમ્યાન મગાઇ હતી અને તેને હાજર કરવા યા તો શોધી કાઢવા પણ જણાવાયું હતું. આ અનુસંધાને આજે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસે હાઇકોર્ટ સમક્ષ સુનાવણીમાં હાજર થઇને પોતાનો જવાબ રજૂ કર્યો હતો.  પોલીસ દ્વારા 567 લેખિત પુરાવા ઉપરાંત સી.સી. ટી.વી. ફ્|ટેજ સહિતની બાબતો આજે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરીને મજીદ પોતાની પાસે ન હોવાનો જવાબ રજૂ કર્યો હતો. રજૂ થયેલા પુરાવામાં કેસને સંલગ્ન પ્રત્યક્ષ અને પેરોક્ષ વ્યક્તિઓ અને બાબતો વણી લઇને તેને પેશ કરવામાં આવી હતી. તો મજીદને શોધવા માટે અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયાસોની વિગતો પણ જવાબમાં સામેલ કરીને રજૂ કરાઇ હતી. મજીદને શોધવા પોલીસે જુદીજુદી 14 ટુકડી બતાવી એડીચોટીનું જોર લગાવ્યું હોવાનું પણ જવાબમાં જણાવાયું છે. હાઇકોર્ટ દ્વારા પોલીસે રજૂ કરેલા પુરાવાઓ સાથેના જવાબને સ્વીકારી તેની નકલ ફરિયાદ પક્ષને આપવા સાથેની કાર્યવાહી કરી હતી. કેસની આગળની સુનાવણી તા. 26મી ઉપર મુકરર કરાઇ છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેક મહિના પહેલાં ગુમ થયેલા મજીદ થેબાની હજુ કોઇ ભાળ મળી નથી. મજીદની પત્ની આશિયાના દ્વારા મજીદને પોલીસ દ્વારા ઉઠાવાયો હોવાની ફરિયાદ-આરોપ કરાયા હતા. તો ફલાહુલ મુસ્લેમીન, અમારી અવાજ અમારા અધિકાર અમદાવાદ અને લોક અધિકાર મંચ સહિતની સંસ્થાઓ પણ આશિયાનાના ટેકામાં બહાર નીકળી આવ્યા બાદ આ પ્રકરણમાં ભુજ ઉપરાંત અમદાવાદ અને દિલ્હીમાં દેખાવો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પછી હેબીયર્સ કોપર્સ દાખલ કરાતાં શરૂ થયેલો કાયદાકીય જંગ ક્રમશ: ઘેરો બની રહ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer