કચ્છમાં કોંગ્રેસ સંગઠનનો ચહેરો બદલાય છે

ભુજ, તા. 20 : આગામી લોકસભાની ચૂંટણીની પ્રારંભિક તૈયારીરૂપે મુખ્ય રાજકીય પક્ષો આંતરિક ગતિવિધિમાં પરોવાઇ ગયા છે, તેના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસે ગઇકાલે પોતાની જમ્બો કારોબારી સમિતિ જાહેર કરી છે જેમાં કચ્છના પાંચ આગેવાનોને મંત્રીપદ મળ્યું છે, જેમાં કોઇ જૂના જોગીનો સમાવેશ ન હોવાથી કચ્છ કોંગ્રેસ પોતાનો ચહેરો  બદલવા માગતી હોવાનું  સમજાય છે. લોકસભાને અનુલક્ષીને કુલ 326 સભ્યો પૈકી મંત્રી, કારોબારી સભ્યો અને વિશેષ આમંત્રિત સભ્યો પૈકી કુલ 11ને સ્થાન મળ્યું છે, જેમાં બ્રહ્મસમાજને પ્રથમ વખત હોદ્દા અપાયા છે, ચૂંટણીમાં બ્રહ્મસમાજના મતદારોને જાળવી રાખવા અથવા આકર્ષવા માટે મંત્રી તરીકે રવીન્દ્ર ત્રવાડી અને વર્તમાન જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન જોશીનો સમાવેશ કરાયો છે. પક્ષના વર્તુળો કહે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ભદ્રવર્ગ કોંગ્રેસથી વિમુખ થતો રહ્યો છે, પરિણામે ચોક્કસ સમાજનું વર્ચસ્વ જ વધતું રહ્યું છે, આ મહેણું ભાંગવા પ્રદેશકક્ષાએ આ વખતે બ્રહ્મસમાજના બે મંત્રીઓ ઉપરાંત લેવા પટેલ સમાજના વગદાર નેતા અરજણભાઇ ભુડિયા અને લોહાણા સમાજના એવા ભચાઉ સ્થિત યુવા આગેવાન ભરતભાઇ અરજણ ઠક્કરને પદ સોંપાયું છે. આ વરણી જોતાં જણાય છે કે, લાંબા અરસાથી કોંગ્રેસ સાથે જ રહેલા મુસ્લિમ સમાજના કેટલાક જૂના જોગીઓને આ વખત કોઇ તક નથી અપાઇ તેના બદલે યુવા ચહેરા રફીક મારાને મંત્રી બનાવાયા છે, હા આ સિવાય આદમભાઇ બી. ચાકી ગઇ ટર્મમાં પ્રદેશ ઉપપ્રમુખ હતા તેમને વિશેષ આમંત્રિત સદસ્ય તરીકે લેવાયા છે. જિલ્લા પંચાયતના સક્રિય સદસ્ય એવા મુંદરાના સલીમ જતને પ્રદેશકક્ષાએ હોદ્દો નથી મળ્યો ત્યારે તેમને હવે જિલ્લાકક્ષાએ મહત્ત્વનું પદ અપાય તેવી શક્યતા પક્ષના વર્તુળો દર્શાવી રહ્યા છે. નવી કારોબારીમાં કચ્છમાં મોટી વસ્તી ધરાવતા આહીર સમાજના કોઇ પ્રતિનિધિનું નામ જોવા મળ્યું નથી ત્યારે તેને મોવડી કઇ રીતે સાચવે છે તેના પર મીટ મંડાઇ છે, જો કે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાનું પદ આહીર સમાજના અગ્રણી વી. કે. હુંબલ હસ્તક છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદનો તાજ ક્ષત્રિય યુવા અગ્રણી યજુવેન્દ્રસિંહ જાડેજાને સોંપાયા પછી અન્ય કોઇ હોદ્દો આ સમાજને નથી અપાયો તે સમજી શકાય. યજુવેન્દ્રસિંહના આવ્યા પછી પક્ષમાં ગતિશીલતા જોવા મળી રહી છે. નવી કારોબારીની વરણીમાં કેટલાક આક્રમક ક્ષત્રિય યુવાનો હોદ્દા માટે આશા રાખતા હતા પરંતુ આ અપેક્ષા ફળીભૂત નથી થઈ તેની પાછળ છેલ્લી વિધાનસભાની ચૂંટણી વેળાનો ઘટનાક્રમ કારણભૂત મનાય છે. ખાસ કરીને ભુજ અને માંડવી વિસ્તારમાં હરીફ પક્ષને જીતાડવા માટે થયેલા સેટિંગની ચર્ચા પ્રદેશકક્ષાએ પહોંચ્યા પછી બન્યું એવું છે કે, જે લોકોની નામજોગ ફરિયાદ થઇ હતી તે તો ખરા પરંતુ જે લોકોએ ફરિયાદ કરી હતી તેમને પણ હાંસિયામાં ધકેલી દેવાયા હોય તેવું લાગે છે. પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર કાયમી આમંત્રિત સભ્યપદે હોદ્દાની રૂએ તેમજ પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી, નવલસિંહ જાડેજા, હાજી જુમા રાયમા અને ભચુભાઇને કારોબારીમાં સ્થાન અપાયું છે. આમ સમગ્ર ચિત્ર જોતાં મધ્ય અને પૂર્વ કચ્છની જ નોંધ લેવાઇ હોવાની છાપ ઉપસે છે, જ્યારે કોંગ્રેસનો ગઢ બની રહેલા પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાની નવી કારોબારીની યાદીમાં હાજરી જણાતી નથી તે આશ્ચર્યજનક બાબત છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer