ગાંધીધામ પાલિકામાં છ મહિનામાં 500 ઢાંકણાં આવ્યાં પણ તોય ગટર ચેમ્બરો તો ખૂલી જ છે !

ગાંધીધામ, તા. 20 : આ શહેર અને સંકુલમાં ધ્યાનથી ન ચાલો તો ગટરના ગંદાં પાણીથી ન્હાઇ લેશો અને અસ્થિભંગ સહિતની ઇજાઓ પણ થશે. આ સંકુલમાં અગાઉ ગટરની ટાંકીઓમાં પડી જવાથી અનેક લોકોને ઇજાઓ થઇ છે. વખતો વખત આવી ચેમ્બરો માટે લાખોના ખર્ચે ઢાંકણા આવતા હોય છે પણ તે ક્યાં પગ કરી જાય છે તે પ્રશ્ન છે. ગાંધીધામ-આદિપુર સંકુલમાં અનેક ગલીઓ અને માર્ગોની બાજુમાં આવેલી ગટરની ચેમ્બરો ખુલ્લી હાલતમાં છે. ગટરની લાઇન બંધ થાય ત્યારે આવી ચેમ્બરો વાટે ગંદા પાણી બહાર આવી માર્ગ પર ફરી વળતા હોય છે, જેના કારણે આવી જગ્યાએથી પસાર થવામાં લોકોને નાકે દમ આવી જતો હોય છે. થોડા વર્ષ પહેલાં ભારતનગર 9બી પાણીના ટાંકા સંકુલમાં ગટરની ચેમ્બરો માટે ઢાંકણા બનાવાતાં હતાં. આ ઢાંકણા જે-તે વોર્ડના નગરસેવકોના હવાલે કરી દેવાતા હતા. જે પૈકી અનેક ઢાંકણા બારોબાર પગ કરી જતા હતા. હાલમાં પણ આ જ પરિસ્થિતિ આવીને ઊભી છે. આવી ખુલ્લી ચેમ્બરોમાં શ્વાન, ગૌવંશ અને લોકો પડી રહ્યા છે અને તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચતી હોય છે. છેલ્લા 6 મહિનામાં જ 500 જેટલા ઢાંકણા બહારથી આવ્યા છે, છતાં પણ શહેર અને સંકુલની લગભગ ટાંકીઓ ખુલ્લી હાલતમાં છે, ત્યારે  આ આટલી માત્રામાં આવેલા ઢાંકણા ક્યાં ઊડી ગયા તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. લોખંડની લ્હાયમાં જો કોઇ આવા ઢાંકણાની ચોરી કરી જતું હોય તો તો આવા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવી જ જોઇએ તેવું લોકો ઇચ્છી રહ્યા છે અને જો બારોબાર પગ કરી જતા હોય અને આ સંકુલની આસપાસ આવેલી અને નવી બનતી સોસાયટીમાં પહોંચી જતા હોય તો તેવું કરનારા કર્મી કે હોદ્દેદાર વિરુદ્ધ પણ?પોલીસ ફરિયાદ કરવામાં કચાશ ન રાખવી જોઇએ. અન્યથા આવી ખુલ્લી ચેમ્બરોમાં કોઇના વ્હાલસોયા કે ઘરના મોભીને ખોવાનો વારો આવશે. ગઇકાલે શહેરના સુંદરપુરી વિસ્તારમાં આવી જ ખુલ્લી ચેમ્બરમાં એક વ્યકિત પડી જતાં તેને ઇજાઓ પહોંચી હતી. આસપાસના દોડી આવેલા લોકોએ તેને બચાવી  લેતાં વધુ નુકસાન ટળ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer