હુમલાની ઘટનામાં મખણા ગામની પરિણીત યુવતી અને માધાપરનો છકડા ચાલક ઘવાયા

ભુજ, તા. 20 : તાલુકાના મખણા ગામે લાકડી અને ધોકા વડે હુમલો થવાના ગતરાત્રે બનેલા કિસ્સામાં તાલુકાના માધાપર ગામના છકડા ચાલક નવયુવાન દામજી સામજી મહેશ્વરી (ઉ.વ.18) તથા મખણા ગામની પરિણીત યુવતી સવિતાબેન ધનજી ભોજાભાઇ ચનેપાર (ઉ.વ.30)ને ઇજાઓ થઇ હતી. આ બન્નેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. ભોગ બનનારે પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયત મુજબ સવિતાબેન ચનેપારને દામજી મહેશ્વરી તેના છકડામાં મખણા મૂકવા ગયો હતો. રાત્રિના ભોજનનો સમય થઇ ગયો હોવાથી દામજીને જમીને જવાનો આગ્રહ કરાતાં તે રોકાઇ ગયો હતો. આ દરમ્યાન સવિતાબેનનો જેઠ સામત ભોજા ચનેપાર, ભાઇ બાબુલાલ ખીમજી બુચિયા, મામાના દીકરા રવજી હીરજી સીજુ તથા માતા જેઠીબેને આવીને આ હુમલો કર્યો હતો.  હુમલામાં દામજીને માથામાં ઇજા થયેલી છે. જયારે સવિતાબેનને અસ્થિભંગ સહિતની ઇજાઓ થયેલ છે. આ બન્નેને 108 મારફતે ભુજ ખસેડાયા હતા તેમ પોલીસે ઉમેર્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer