મેઘપર (કું) સીમમાં પોલીસે છાપો મારી આઠ જુગારીઓ ઝડપ્યા

ગાંધીધામ, તા. 16 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામની સીમમાં મેઘમાયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસે છાપો મારી એક મકાનના આંગણામાં જુગાર ખેલતા 8 શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રૂા. 1,67,130નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. મેઘપર કુંભારડીમાં આવેલા મેઘમાયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મોડી રાત્રે 1.30 વાગ્યાના અરસામાં પોલીસે દરોડો પાડયો હતો. અહીં રહેતા ઉમર ઓસમાણ ગગડા અને ઈલિયાસ અલીમામદ ગગડા નામના ઈસમો બહારથી ખેલીઓ બોલાવી તેમને મકાનના આંગણામાં જુગાર રમાડતા હતા. દરમ્યાન પોલીસે છાપો મારી દિનેશ મનજી બારોટ, કલ્પેશ ધનજી ભાટી, કાન્તિ વીરા દેવીપૂજક, શંભુ મજાભાઈ ચાવડા, નીલેશ કીર્તિ જોશી, જયકિશન તોલારામ સિંધી, નીલેશ ભીખુ સોઢા, સુરેશ નરેન્દ્ર સિંધી નામના શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે ઉમર અને ઈલિયાસ પોલીસના હાથમાં આવ્યા નહોતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 65,630, ત્રણ વાહન, 9 મોબાઈલ એમ કુલ રૂા. 1,67,130ની માલમત્તા હસ્તગત કરવામાં આવી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer