ભુજિયાની તળેટીમાં પાંચેકસો મકાનો તોડવાનો તખ્તો તૈયાર

ભુજ, તા. 16 : ભુજિયાની તળેટી પાસેની જનતાનગરી નજીક આર.ટી.ઓ. સર્કલથી આત્મારામ સુધી 30 ફૂટનો માર્ગ બનવાનો હોવાથી 100 ફૂટના કપાતમાં 500થી 700 મકાનો તોડી પાડવાની જાણ થતાં રહેવાસીઓએ કલકેટરને પત્ર પાઠવીને આ પ્રક્રિયા લોકોના ભોગે અટકાવવા માંગ કરી છે. અંદાજે એકાદસો જેટલી સહી સાથે પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં રજૂઆત કરી છે કે તમામ રહીશો છેલ્લા 20થી 25 વર્ષથી રહેણાક કરે છે, તાજેતરમાં સરકારી કર્મચારીઓ માપણી કરતા જોવા મળતાં તેમની પાસે આ માહિતી પ્રાપ્ત થઈ હતી. ભૂકંપ બાદ એ જ જગ્યાએ આર.ટી.ઓ. સર્કલથી આત્મારામ સુધીનો માર્ગ ડી.પી. હેઠળ ઘણા મકાનો તોડી પડાયા હતા. અત્યારે આ રોડ 36 મીટરનો છે અને પાંચ ફૂટની ફૂટપાથ છે, તેમ તેને જોડતો અન્ય રોડ પણ છે. હવે ફરી આ વિસ્તારમાં મકાનો તોડવાની કામગીરી તોળાઈ રહી છે. ભુજમાં અંદાજિત 60 ટકા જેટલો વિસ્તાર ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. તેમાં મજૂર વર્ગ રહે છે, તો આ પ્રક્રિયા અટકાવવી જરૂરી છે તેવું ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer