દીનદયાળ બંદર પાસે વાહન હડફેટે યુવાને જીવ ગુમાવ્યો

ગાંધીધામ, તા. 16 : કંડલાના ડી.પી.ટી.ના વેસ્ટ ગેટ-2 પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડતાં મોહંમદ પ્યારે (ઉ.વ. 38) નામના યુવાનનું મોત થયું હતું. તો બીજી બાજુ ભચાઉના ચોપડવા અને આમરડી વચ્ચે બાઈક પરથી નીચે પટકાતાં સામત્રાના હંસાબેન રમેશ સુથાર (ઉ.વ. 50)નામના મહિલાનું મોત થયું હતું.  કંડલામાં ડી.પી.ટી.ના વેસ્ટ ગેટ નં.  બે નજીક પાણીના ટાંકા પાસે કોલસા વિભાગમાં ગતરાત્રે અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અહીં બે વાહન ભટકાતાં મોહંમદ પ્યારે તે જોવા ઊભો હતો. દરમ્યાન પાછળથી આવતા કોઈ અજાણ્યા વાહને આ યુવાનને હડફેટમાં લેતાં તેનું માથું હાથ, પગ, છુંદાઈ ગયા હતા અને બનાવસ્થળે જ આ યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ ચોપડવા અને આમરડી વચ્ચે પુલિયા પર ગત તા. 1/11ના બપોરે અકસ્માત સર્જાયો હતો. સામત્રાના હંસાબેન સુથાર કામ અર્થે ચોપડવા આવ્યા હતા. અહીંથી તે પોતાના ભત્રીજા મુકેશ વિશ્રામ સુથાર સાથે બાઈક નંબર જીજે 12 ડીજે 0754 પર સવાર થઈને ધમડકા બાજુ આવી રહ્યા હતા. દરમ્યાન પાપડી પાસે બાઈક પરથી નીચે પટકાતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમની વિધિ પતાવીને તેમના પતિ રમેશ વેલજી સુથારે ગઈકાલે સાંજે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer