27મીથી કચ્છના 6.48 લાખ બાળકોની શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ તપાસ

ભુજ, તા. 16 : કચ્છના 18 વર્ષ સુધીના સરકારી અને ખાનગી શાળાએ જતા કે ન જતા 6,48,828 બાળકોની શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તપાસણીનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તા. 27-11થી તા.1 ફેબ્રુ. સુધી યોજાશે. તેના માટે 19,415 કાર્યકરોની ટીમ તૈયાર કરાશે. 2312 આંગણવાડી- બાલમંદિરના 1,90,185 બાળકો, 2096 પ્રા. શાળાના 3,54,464 બાળકો, 430 મા.-ઉ.મા. શાળાના 87,074 બાળકો, 39 અન્ય શાળાઓ (ધાર્મિક શિક્ષણ આપતી શાળાઓ), ચિલ્ડ્રન હોમ, વિકલાંગ - બહેરા - મૂંગાની શાળા, કસ્તૂરબા આશ્રમશાળાઓ, અનાથ આશ્રમો, કેન્દ્રીય વિદ્યાલયો વગેરેના 7480 બાળકો અને શાળાએ ન જતા 9625 બાળકોને પણ આવરી લેવાશે. જિલ્લા આરોગ્ય તંત્રે તાલુકાવાર બાળકોની સંખ્યા આપતાં જણાવ્યું કે, અબડાસાના 33,959, અંજારના 76033, ભચાઉના 58250, ભુજના 1,40,837, ગાંધીધામના 98,402, લખપતના 20,177, માંડવીના 57,382, મુંદરાના 43,580, નખત્રાણાના 44,622, રાપરના 75,586ની આરોગ્ય તપાસ કરાશે.  સેવાઓમાં આરોગ્ય ચકાસણી અને જન્મજાત ખામી, ઊણપ, રોગ, વિકાસલક્ષી વિલંબ અને વિકલાંગતા અનુસાર ચકાસણી, ચશ્માં વિતરણ, આરોગ્ય કાર્ડ - સંદર્ભ?કાર્ડ, જન્મજાત ખામીમાં ફાટેલા હોઠ-તાળવા, ક્લબ ફૂટ, મોતિયો, હૃદય, કિડની, કેન્સર, કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, કોકલીયર ઈમ્પ્લાન્ટ જેવી સારવાર અને આરોગ્ય શિક્ષણ અપાશે. કાર્યક્રમમાં પ્રથમ દિવસે સેનિટેશન, બીજા દિવસે આરોગ્ય તપાસ, ત્રીજો દિવસ પોષણ દિન, ચોથો દિવસ તબીબી તપાસ, પાંચમા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer